વલસાડ : વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના મામલતદાર રૂપિયા 5 લાખની મોટી રકમની લાંચ લેતા રંગે હાથે એસીબીએ ઝડપી લેતા સરકારી વિભાગમાં સન્નાટો છવાઈ ગયો હતો. મામલતદાર અમિત ઝડફિયાએ એક જમીન વિવાદને લગતી બાબતમાં ફરિયાદીની તરફેણમાં નિર્ણય આપવા માટે પાંચ લાખ રુપિયાની માગણી કરી હતી. આ લાંચ લેતી સમયે ઉમરગામના નવયુવાન મામલતદાર આજે રૂપિયા 5 લાખની લાંચ લેતા ઝડપાઇ ગયા છે.
જમીન વારસાઈની અરજીમાં લાંચ માગી : મામલતદાર જેવા મોટા અધિકારી દ્વારા લાંચ માગવાની ઘટના જોઇએ તો ફરિયાદીએ જમીનમાં વારસાઈ કરવા માટે અરજી આપી હતી. ત્યારે જમીનમાં થર્ડ પાર્ટી દાવો ચાલતો હોવાથી વિવદિત જમીનમાં ફરિયાદીની તરફેણમાં ચૂકાદો આપવા 5 લાખની લાંચની માગણી કરવામાં આવી હતી.
લાંચની રકમ કચેરીમાં જ સ્વીકારી : મામલતદાર અમિત જનકભાઈ ઝડફિયા વર્ગ-2 મામલતદાર અને મેજિસ્ટ્રેટ તાલુકા જેમણે ફરિયાદીની તરફેણમાં ચૂકાદો કરવા માટે રૂપિયા પાંચ લાખની માંગ કરી હતી. જો કે ફરિયાદી આ લાંચ આપવા માંગતા ન હતાં તેથી તેમણે સુરત એન્ટી કરપ્શન બ્યૂરોમાં જાણ કરી હતી. જે બાદ આજ રોજ ઉમરગામ મામલતદાર કચેરી ખાતે જ લાંચની રકમ આપવા માટે છટકું ગોઠવવામાં આવ્યું હતું અને લાંચની સ્વીકારતા મામલતદાર રંગે હાથે ઝડપાઈ ગયા હતાં.
સુરત ગ્રામ્ય એસીબીના પીઆઈના જણાવ્યા અનુસાર મામલતદાર કચેરી ઉમરગામ ખાતે છટકું ગોઠવવામાં આવ્યું હતું. જેમાં અમિત ઝડફિયા રંગેહાથે લાંચ લેતા ઝડપાઇ ગયા છે. તેમને હાલ ડિટેઇન કરી આગળની પૂછપરછ અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આર. કે. સોલંકી (સુરત ગ્રામ્ય એસીબી પીઆઈ)
આ અગાઉ પણ મામતદાર ઉપર લાંચના આક્ષેપો : ઉમરગામના મામલતદાર અમિત ઝડફિયા અગાઉ પણ કેટલાક કિસ્સામાં જમીન વિવાદમાં લાંચ પ્રકરણમાં આક્ષેપો થયા હોવાનું પણ બહાર આવ્યું છે. એટલે કે આ અગાઉ પણ તેઓ વિવાદમાં આવી ચૂક્યા હતાં. જોકે આજે એસીબીના સપાટે પુરાવા ચડી જતા સમગ્ર હકીકત બહાર આવી છે અને કચેરીમાં સન્નાટો છવાઈ જવા પામ્યો હતો.
લાંચિયા મામલતદારને ડિટેઇન કરાયાં : રૂપિયા પાંચ લાખની લાંચ લેતા ઝડપાયેલા ઉમરગામના મામલતદારને એસીબી અધિકારીઓએ રંગે હાથે ઝડપી લીધા બાદ કાર્યવાહી કરતા ડિટેઇન કરી દેવાયાં છે. આકસ્મિક રીતે એસીબીએ છટકું ગોઠવી મામલતદાર કક્ષાના અધિકારીને લાંચ કેસમાં પકડતાં કચેરીમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.
સુરત એસીબી ગ્રામ્યએ ટ્રેપ કરી : સમગ્ર કિસ્સામાં ફરિયાદીએ સુરત એસીબીને સંપર્ક કરતાં આર.આર.ચૌધરી મદદનીશ નિયામક સુરતના સુપરવિઝનમાં આર. કે. સોલંકી પીઆઈ એસીબી સુરત ગ્રામ્ય અને શહેરની ટીમ દ્વારા સફળ ટ્રેપને અંજામ અપાયો હતો. જેમાં લાંચીયો મામલતદાર ઝડપાયો હતો.