વલસાડ : અચ્છાડ નંદીગ્રામ મહારાષ્ટ્રના ખારઘર નવી મુંબઈમાં રવિવારે અપ્પાસાહેબ ધર્માધિકારીને મહારાષ્ટ્ર ભૂષણ એવોર્ડથી સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજાવાનો છે. જેમાં અંદાજિત 50 લાખ લોકો ઉપસ્થિત રહેવાની સંભાવના છે. ત્યારે મુંબઈ અમદાવાદ હાઇવે પર ટ્રાફિક નોટિફિકેશન બહાર પાડી અવરજવર પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જેને લઈ ગુજરાત મહારાષ્ટ્ર સરહદે અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે 48 પર વાહનોની લાંબી કતારો લાગી રહી છે.
ટ્રાફિક નોટિફિકેશન મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના ખારઘર નવી મુંબઈ ખાતે 16/04/2023 ના રોજ અપ્પાસાહેબ ધર્માધિકારીને મહારાષ્ટ્ર ભૂષણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવનાર છે. આ અનુસંધાને પાલઘર જિલ્લા કલેકટર દ્વારા ટ્રાફિક નોટિફિકેશન બહાર પાડી 36 કલાક માટે અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે 48 પર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ લગાવી દીધો છે. જેને લઈને ગુજરાત મહારાષ્ટ્ર સરહદે વાહનોની લાંબી કતારો લાગી છે. આ અંગે પાલઘર ના પોલીસ અધિક્ષક અજય વસાવે એ જણાવ્યું હતું કે, કાર્યક્રમમાં અંદાજિત 50 લાખ લોકો ઉપસ્થિત રહેવાના હોય મુંબઈ અમદાવાદ હાઇવે પર ટ્રાફિક નોટિફિકેશન બહાર પાડી અવરજવર પર પ્રતિબંધ લગાવ્યો છે.
આ પણ વાંચો Floating Jetty : ગુજરાતની પ્રથમ ફ્લોટિંગ જેટી ઉમરસાડી માછીવાડમાં, લોકાર્પણની તારીખ કરાઈ જાહેર
વાહનોને અટકાવવાની કાર્યવાહી અપ્પા સાહેબ ધર્મધિકારીના લાખો અનુયાયીઓ નેશનલ હાઇવે પર ગુજરાત મહારાષ્ટ્ર સરહદે નંદીગ્રામ-અચ્છાડ ચેકપોસ્ટ પર શનિવારે બપોરે 12 વાગ્યાથી જ મહારાષ્ટ્ર પોલીસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી વાહનોને અટકાવવાની કાર્યવાહી હાથ ધરી હતી. 36 કલાકના હાઇવે પરની અવરજવરના આ નોટિફિકેશનને કારણે હાલ અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે 48 પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. મહારાષ્ટ્ર પોલીસના જણાવ્યા મુજબ આ એવોર્ડ સમારંભમાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, અન્ય વિવિધ વિભાગોના મંત્રીઓ અને અન્ય મહત્વની વ્યક્તિઓ ઉપસ્થિત રહેશે. અપ્પા સાહેબ ધર્મધિકારી મહારાષ્ટ્રમાં સામાજિક સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલ છે. તેમના લાખો અનુયાયી છે. જેમના અંદાજિત 50 લાખ અનુયાયી આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે.
36 કલાક માટે ભારે વાહનો પર પ્રતિબંધ મહારાષ્ટ્ર સરકાર તરફથી અપ્પા સાહેબ ધર્મધિકારીને મહારાષ્ટ્ર ભૂષણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવનાર છે. જે દરમ્યાન કોઈ ટ્રાફિક સમસ્યા ન સર્જાય તે માટે આ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. 36 કલાક માટે હાઇવે પર ભારે વાહનો જ્યાં હશે ત્યાં જ રોકવામાં આવશે. વાહનચાલકોને અગવડ ન પડે તે માટે હાઇવે આસપાસ હોટેલ-ઢાબાના પાર્કિંગમાં વાહનોને થોભાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
આ પણ વાંચો Digital Gram Panchayat : વલસાડના આ ગામને ડિજિટલ ગ્રામ પંચાયત જાહેર કરાયું
મુંબઈ જતા વાહનચાલકો અટવાયા 15/04/2023 ના બપોરના 12 વાગ્યાથી 16/04/2023ના રાત્રીના 23:00 કલાક સુધી મુંબઈ-અમદાવાદ હાઈવે નંબર 48 પરનો ટ્રાફિક રોકવામાં આવ્યો છે. જે અંગે નજીકના વલસાડ જિલ્લા સહિત સંઘપ્રદેશના ટ્રાન્સપોર્ટરોને, GIDC ના આગેવાનોને મહારાષ્ટ્ર ટ્રાફિક પોલીસ વિભાગ અને વહીવટીતંત્ર દ્વારા જાણકારી પુરી પાડવામાં આવી છે. જો કે ટૂંકાગાળામાં થયેલ આ જાહેરાતને કારણે વાહનચાલકોને જાણકારી મળી નથી એટલે મુંબઈ તરફ જતા હાઇવે પર વાહનચાલકો અટવાયા છે.
ઇમર્જન્સી સેવા અને નાના વાહનો અવરજવર કરી શકશે ઉલ્લેખનીય છે કે, પાલઘરના અધિક કલેકટર ડૉ. કિરણ મહાજન દ્વારા આ અંગે એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. ઉપરોક્ત ટ્રાફિક નિયંત્રણ સૂચના ભારે વાહનો માટે છે. પોલીસ વાહનો, મહેસૂલ વિભાગના વાહનો, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ અને અન્ય આવશ્યક સેવા વાહનો, પોલીસ દ્વારા પરવાનગી આપેલ વાહનો, સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અને તાલુકા દ્વારા મંજૂરી આપવામાં આવેલ વાહનો સિવાયના અન્ય નાના વાહનોની અવરજવર કરવા દેવામાં આવશેે.