- વલસાડ પાલિકાએ 11 દુકાનોમાં ડિમોલેશન કર્યું
- અગાઉ દબાણ દૂર કરવા આપી હતી જાણકારી
- રોડ ઉપર ગેરકાયદે દબાણ કરનારાઓમાં ફફડાટ
વલસાડ: વલસાડ શહેરના એસટી ડેપોની આસપાસમાં રોડ માર્જિનમાં દબાણ કરીને બનાવવામાં આવેલી કુલ 11 જેટલી દુકાનો ઉપર આજે વલસાડ નગરપાલિકાએ ડિમોલેશન હાથ ધર્યું હતું. નગરપાલિકાના ચીફ ઓફિસર અને વલસાડ સીટી પીઆઇની ટીમ સાથે જેસીબી મશીન લઇ સ્થળ ઉપર પહોંચેલી ટીમે 11 દુકાનોમાં ડિમોલિશન કર્યું હતું.
વલસાડ ડેપો નજીક આવેલી 11 દુકાનોનું ડીમોલેશન
વલસાડ પાલિકા દ્વારા થોડા દિવસ અગાઉ વલસાડના હાર્દમાં નવરંગ સર્કલ નજીકની અનેક દુકાનો પર ડિમોલિશન કરવામાં આવ્યું હતું. જે દરમિયાન એસ.ટી ડેપોની બાજુમાં આવેલી મસ્જિદ નજીકની 11 દુકાનોને પણ ખાલી કરવા માટે જણાવવામાં આવ્યું હતું. પરંતુ દુકાનદારોએ તેમ ન કરતા આખરે નગરપાલિકાએ ફરીથી સપાટો બોલાવતા 11 જેટલી દુકાનો ડિમોલેશન કર્યું છે.
50 વર્ષ કરતા પણ વધારે સમયથી કરે છે દુકાનદારો અહીં વ્યવસાય
વલસાડ પાલિકા દ્વારા કરવામાં આવેલ 11 દુકાનોનાં ડિમોલિશનના માલિકોએ જણાવ્યું કે, છેલ્લા 50 વર્ષ કરતાં પણ વધુ સમયથી અહીં આગળ તેમના વડવાઓ પોતાની રોજગારી માટે વ્યવસાય કરી રહ્યા છે. પરંતુ તેમ છતાં પણ પાલિકા દ્વારા દુકાનો રોડ માર્જિનમાં આવતી હોવાનું જણાવી આ દુકાનોમાં ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે.
પાલિકા ચીફ ઓફિસર અને વલસાડ પોલીસની ટીમ દ્વારા કામગીરી
નગરપાલિકા ચીફ ઓફિસ જે.યુ.વસાવા નગર પાલિકાનો સ્ટાફ બે જેસીબી મશીન તેમજ વલસાડ સીટી પોલીસ મથકના પી.આઇ એચ.જે.ભટ્ટ અને પોલીસની ટીમ ડિમોલિશન માટે એસ.ટી ડેપો નજીકની વિવિધ દુકાનો ઉપર પહોંચી હતી.
ડિમોલેશનને લઈ ફફડાટ
નગરપાલિકાના ચીફ ઓફિસરના જણાવ્યા અનુસાર વલસાડ શહેરના મુખ્ય માર્ગોના રોડ માર્જિનમાં આવતી આ દુકાનોને લઈને તેમને અગાઉ મૌખિક રીતે દુકાનોનું દબાણ દૂર કરવા માટેની જાણકારી આપવામાં આવી હતી. પરંતુ તેમ છતાં પણ તેમણે તકેદારી રાખી ન હતી. આખરે પાલિકાએ કાર્યવાહી કરી 11 દુકાનોમાં ડિમોલિશન કર્યું છે. જેને લઇને વલસાડ શહેરમાં ગેરકાયદેસર રીતે રોડ ઉપર દબાણ કરનારાઓમાં ફફડાટ ફેલાયો છે. વલસાડ પાલિકા દ્વારા થોડા દિવસો પહેલા જ નવરંગ સર્કલ પાસે આવેલી 19 થી વધુ દુકાનો પર ડિમોલિશન કરવામાં આવ્યું હતું. તે સમયે જ આ દુકાનદારોને પણ મૌખિક રીતે દુકાનો દબાણ દૂર કરવા માટે તાકીદ કરવામાં આવી હતી. આ દુકાનદારોએ આ સમગ્ર બાબતને ગંભીરતાપૂર્વક લીધી ન હતી. જેના કારણે અંતે પાલિકાએ ડીમોલેશન કર્યું હતુ.