વલસાડ: સને 2000માં મે માસમાં ગુજરાતના સ્થાપના દિવસે વલસાડ શહેરની વચ્ચોવચ આવેલા ભીડભંજન મહાદેવના સાનિધ્યમાં અવિરત અન્નક્ષેત્ર શરૂ કરવામાં આવ્યું હતું. જેનો મુખ્ય હેતું વલસાડ સુધી આવનારા લોકોને ભોજન મળી રહે તો સાથેજ વલસાડની આસપાસમાં આવેલી હોસ્પિટલોના દર્દીઓ અને તેમના સ્વજનો માટે નિઃશુલ્ક ભોજન પૂરુ પાડવામાં આવે છે.
આ કામગીરીને શુક્રવારે 20 વર્ષ પૂર્ણ થયા છે. છેલ્લા 20 વર્ષથી સતત ભીડભંજન સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દરરોજના 600થી વધુ લોકો માટે સવાર-સાંજ ભોજનની અવિરત સેવા પૂરી પાડવામાં આવી રહી છે.જેને શુક્રવારે 20 વર્ષ પૂર્ણ કરીને 21 વર્ષમાં મંગળ પ્રવેશ કર્યો છે.
ભીડભંજન જનસેવા ચેરીટેબલ ટ્રસ્ટના સંચાલક શિવજી મહારાજ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, તેઓનો એક માત્ર હેતુ છે. લોક સેવા એ જ પ્રભુ સેવા અને લોકોના થકી લોકો વડે અને લોકો માટે ચાલતી આ સેવાકીય પ્રવૃત્તિ અવિરત પણે ચાલુ રાખવામાં આવશે. હાલના લાકડાંના સમયમાં પણ આ કામગીરી અનેક લોકોના પેટની ભૂખ મટાડવા માટે ઉપયોગી થઇ છે.
મહત્વનું છે કે, વલસાડ શહેરમાં આવેલી કસ્તુરબા હોસ્પિટલ, આર.એમ.સી હોસ્પિટલ તેમજ આસપાસના ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવા આવતા દર્દીઓ માટે ભીડભંજન અન્નક્ષેત્ર દ્વારા ભોજન પૂરુ પાડવામાં આવે છે.