વલસાડઃ ચીનના વુહાન શહેરમાં કોરોના વાયરસે અત્યાર સુધીમાં 900 લોકોના ભોગ લીધા છે. આ અંગે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) દ્વારા સમગ્ર વિશ્વમાં સ્વાસ્થ્ય કટોકટી જાહેર કરવામાં આવી છે. જો કે, ભારતીય આરોગ્ય તંત્ર દ્વારા આ રોગ ભારતમાં ન પ્રવેશે તે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.
વલસાડ જિલ્લામાંથી ચીન ગયેલા 28 લોકો ગત રોજ પરત ફર્યા હતા. સરકાર દ્વારા 28 લોકોની યાદી આરોગ્ય વિભાગને સોંપવામાં આવી હતી. જે બાદ આ તમામ લોકોનું પરીક્ષણ આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં એક પણ વ્યક્તિમાં કોરોના વાયરસના લક્ષણો જોવા મળ્યા ન હતા. તેમ છતાં પણ આરોગ્ય વિભાગ દ્વારા સતત 15 દિવસ સુધી આ તમામ 28 લોકોના નિવસ્થાને જઈ તેમનું નિયમિત ચેકઅપ તેમજ તબીબોની દેખરેખ હેઠળ રાખવામાં આવશે.
આ સમગ્ર બાબતે વલસાડ જિલ્લા આરોગ્ય અધિકારી અનિલ પટેલે જણાવ્યું કે, વલસાડ જિલ્લામાં 28 લોકો ચીનથી પરત આવ્યા છે. તેમના સ્વાસ્થ્યની તપાસ કરવામાં આવી છે. રાહતના સમાચાર એ છે કે, આ તમામ લોકોમાં કોરોના વાઇરસના લક્ષણ જોવા મળ્યા નથી. વળી વલસાડ આવનાર તમામ લોકો ચીનના અન્ય શહેરોમાંથી આવ્યા છે, છતાં સાવચેતી રૂપે તેમની તપાસ કરવામાં આવી છે. હજૂ તેમને 15 દિવસ સુધી દેખરેખ હેઠળ રાખવામાં આવશે.