વાપી : દેશના અન્ય રાજ્યોની તુલનાએ ગુજરાત સૌથી વધુ નિકાસ કરતું રાજ્ય બન્યું છે. ત્યારે, વાપી GIDCમાં આવેલા ઉદ્યોગો પણ ઉત્પાદન ક્ષેત્રે નોંધપાત્ર ફાળો પ્રદાન કરી રહ્યા છે. નાણાકીય વર્ષ 2021-22માં વાપીના ઉદ્યોગોનું 52 હજાર કરોડનું ટર્ન ઓવર હતું. હાલના નાણાકીય વર્ષ 2022-23માં તે 55 હજાર કરોડથી વધુ થયું હોવાનું અંદાજવામાં આવ્યું છે.
ઉત્પાદનના ક્ષેત્રમાં તેજ રફતાર પકડી : વર્ષ 2019-20 અને વર્ષ 2020-21 કોરોના કાળનો પિરિયડ હતો. જે દરમિયાન વલસાડ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં આવેલા GIDCના ઉદ્યોગો પર મંદીનો ખતરો તોળાતો હતો. જોકે, વર્ષ 2021-22 અને વર્ષ 2022-23માં ઉદ્યોગોએ ફરી ઉત્પાદનના ક્ષેત્રમાં તેજ રફતાર પકડી છે. આ અંગે વાપી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન તરફથી રજૂ કરવામાં આવેલા આંકડા મુજબ VIA પ્રમુખ કમલેશ પટેલે જણાવ્યું હતું કે, કોરોના કાળ દરમિયાન વર્ષ 2019-20 માં વાપીના ઉદ્યોગોનું કુલ ઉત્પાદન 35થી 37 હજાર કરોડનું હતું. જે કોરોના કાળ પછી હાલ 55 હજાર કરોડથી વધુ હોવાનું અંદાજવામાં આવ્યું છે.
30 હજાર કરોડ સુધીનું ટર્ન ઓવર : વાપી GIDC એસ્ટેટમાં નાના મોટા મળીને અંદાજે 3 હજાર એકમો કાર્યરત છે. કોરોના કાળમાં કેમિકલ, ફાર્મા, પેપર, એન્જીનીયરીંગ, ટેક્સટાઇલ સેક્ટરમાં ઉદ્યોગોનું ટર્ન ઓવર ઘટ્યું હતું. હાલમાં તે તમામ સેક્ટરમાં વધ્યું છે. એમાં કેમિકલ, પેપર અને ટેક્સટાઇલ સેક્ટરમાં વાપીના ઉદ્યોગોએ ઇતિહાસ રચ્યો છે. આ સેક્ટરમાં 8 હજાર કરોડથી માંડીને 30 હજાર કરોડ સુધીનું ટર્ન ઓવર હાલના વર્ષમાં થયું હોવાનું અંદાજવામાં આવ્યું છે.
આ પણ વાંચો : ઉદ્યોગો માટે સરકારની નવી પૉલિસી, 12.50 લાખ કરોડ રૂપિયાના રોકાણ અને 15 લાખ રોજગાર ઊભા થશે
દરેક ક્ષેત્રમાં રોજગારીની વિપુલ તકો : VIA સેક્રેટરી સતિશ પટેલના જણાવ્યા મુજબ હાલમાં ગુજરાત દેશનું સૌથી વધુ 1.23 લાખ મિલિયન ડોલરની નિકાસ કરતું રાજ્ય બન્યું છે. તો, રાજ્યના નાણાપ્રધાન કનુ દેસાઈ વાપીના ધારાસભ્ય હોય વાપી GIDC સહિત ઉમરગામ, સરીગામ GIDC માટે સતત વિકાસ માટે બજેટમાં રકમ ફાળવી રહ્યા છે. CETPની દરિયા સુધીની પાઇપલાઇન માટે નાણાપ્રધાને 470 કરોડની જોગવાઈ બજેટમાં ફાળવી છે. વાપી GIDCના દરેક સેકટરમાં ઉત્પાદન વધતાં જેમ ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે. તેમ વાપીના ઉદ્યોગોનું ઉત્પાદન ગુજરાતનું ગ્રોથ એન્જિન બન્યુ છે. દરેક ક્ષેત્રમાં રોજગારીની વિપુલ તકો સર્જાઇ છે.
આ પણ વાંચો : GAU TECH 2023: ગૌ આધારિત ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવા રાજકોટમાં દેશની સૌપ્રથમ સમિટ યોજાશે
40 ટકાથી વધુ ઉત્પાદન : વૈશ્વિક માર્કેટમાં મંદીની લહેર છતાં પણ વાપીના ઉદ્યોગકારોએ ઉત્પાદનની સ્થિતિ જાળવી રાખી છે. વર્ષે 35 હજાર કરોડથી વધુનું વાર્ષિક એક્સપોર્ટનું ટર્નઓવર છે. નાના ઉદ્યોગો સૌથી વધારે વિવિધ દેશોમાં પોતાનો માલ મોકલે છે. વાપીના ઉદ્યોગો આફ્રિકન દેશો, ગલ્ફ દેશો, અમેરિકા અને યુરોપિયન દેશોમાં નિકાસ કરે છે. અહીંના પીગમેન્ટ, ઇન્ટરમિડીયેટ, કલર ઉત્પાદિત કંપનીઓ અને 20 જેટલી પેપર મિલો તેમના કુલ ઉત્પાદનના 40 ટકાથી વધુ ઉત્પાદન અન્ય દેશોમાં નિકાસ કરે છે.