- ખેડૂતોને નથી મળતા શાકભાજીના પ્રમાણસર ભાવ
- ઉધાર પૈસા લાવીને ખેતી કરી
- ઉધારના પૈસા ચૂકવી શકે તેટલું વળતર પણ મળતું નથી
વલાસાડ : ધરમપુર અને તેની આસપાસના વિસ્તારમાં આવેલા અનેક ગામોમાં ખેડૂતો શાકભાજીની ખેતી કરી રહ્યા છે, પરંતુ શિયાળો શરૂ થતાની સાથે જ શાકભાજીના ભાવ એક તરફ બજારમાં આસમાને વધી રહ્યા છે, પરંતુ બીજી તરફ વેપારીઓ ખેડૂતો પાસે શાકભાજીની ખરીદી માત્ર નજીવી કિંમતે કરતા તેમને યોગ્ય વળતર ન મળતા આ ખેડૂતોને મુશ્કેલીમાં મૂકાવાનો વારો આવ્યો છે.
વેપારીઓ વજન કર્યા વગર ખરીદે છે શાકભાજી
ધરમપુરની નજીકમાં આવેલા તામછડી, આમધા જેવા અનેક ગામોમાં છેલ્લા કેટલાક સમયથી ખેડૂતો શાકભાજીની ખેતી તરફ વળ્યા છે અને તેમના ઉત્પાદન બાદ અહીં આગળ વેપારીઓ ઉત્પાદનની ખરીદી કરવા માટે આવી રહ્યા છે, પરંતુ 20 કિલોના શાકભાજીની સામે તેમને વળતર સ્વરૂપે નજીવી કિંમત આપવામાં આવી રહી છે. દુધીની ખેતી કરતા ખેડૂતે જણાવ્યું કે, માત્ર એક પ્લાસ્ટિકની થેલી જેમાં અંદાજિત 30 કિલો દૂધી ભરેલી હોય છે, આ પ્લાસ્ટિકની ઝબલા થેલીની કિંમત વેપારીઓ ક્યારેક 20 રૂપિયા તો ક્યારેક 40 રૂપિયા આપે છે. વેપારી તેનું વજન કરતા નથી.
20 કિલો ગવારની કિંમત માત્ર 100 રૂપિયા
તામછડીમાં ગવાર સિંગની ખેતી કરતા એક ખેડૂતે જણાવ્યું કે, તેમને વ્યાજે પૈસા લાવીને ખેતી કરી રહ્યા છે, પરંતુ હાલ જ્યારે તેનું ઉત્પાદન શરૂ થયું છે, ત્યારે ગવાર સિંગ તોડવા માટે 3થી 4 મજૂરોને લાવવા પડે છે અને આ 4 મજૂરોને વ્યક્તિદીઠ મજૂરી આપવી પડે છે. જેની સામે 20 કિલો ગવાર સિંગની કિંમતના માત્ર 100 રૂપિયા વેપારી આપી રહ્યા છે. જેના કારણે તેમને મજૂરી પણ માથે પડી રહી છે.
ઉધાર નાણા લાવી ખેતી કરવા મજબૂર ખેડૂત
પોતાના સમગ્ર પરિવારનું ગુજરાન ચલાવવા માટે ખેડૂત માત્ર ખેતી પર નભતો હોય છે અને કોઈપણ રીતે ખેતી કરી તે ઉત્તમ આવક મેળવે તેવી આશા ધરાવે છે, પરંતુ તેની આશા પર ત્યારે પાણી ફરી વળે છે, જ્યારે વેપારીઓ તેમના ઉત્પાદનની કિંમત તેમની આશા કરતાં ખૂબ જ નજીવી આપે છે. આમ કેટલાક ખેડૂતો પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે હાલ ઉધાર પૈસા લાવીને ખેતી કરી છે, પરંતુ ઉત્પાદનને અંતે તેમને લીધેલા ઉધારના પૈસા ચૂકવી શકે તેટલું વળતર પણ મળતું નથી
ગામડામાં આવતા વેપારીઓ સાવ નજીવી કિંમત આપી ખરીદે છે શાકભાજી
ધરમપુર અને તેની આસપાસના ગામોમાં શાકભાજીની ખેતી કરતા ખેડૂતોને કેટલાક વેપારીઓ સાવ નજીવી કિંમત આપીને શાકભાજી ખરીદી લે છે અને એ જ શાકભાજી બજારમાં ઉચા ભાવે વેચાતા હોવાનું ખુદ ખેડૂતો જણાવી રહ્યા છે.
વેપારીઓ કરી રહ્યા છે ખેડૂતો સાથે અન્યાય
ધરમપુર અને તેની આસપાસના આવેલા ગામોમાં ખેડૂતો શાકભાજીની ખેતી કરે છે. તેવા વિસ્તારમાં વેપારીઓ ખેડૂતો સાથે સીધો અન્યાય કરી રહ્યા હોવાની રાવ ઉઠી રહી છે. કેટલાક વેપારીઓ ખેડૂતો સુધી પહોંચે છે, પરંતુ તેમની પાસે ખરીદેલો માલનું વજન પણ કરતા નથી અને માત્ર પ્લાસ્ટિકની ઝભલા થેલી માલ લીધેલો માલ ઉચકી ઝભલા થેલી દીઠ પૈસા ચૂકવતા હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે, જેના કારણે નુકસાન ખેડૂતોને સહન કરવું પડી રહ્યું છે.