વેરાવળ: વેરાવળથી કોડીનાર અને છારા વચ્ચે સંભવિત નવી રેલવે લાઇનને લઈને ખેડૂતોમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. સંભવિત નવી રેલવે લાઈનથી 30 ગામના અંદાજિત 400 કરતાં વધારે ખેડૂતો અને ખેતીલાયક 1500 થી 2000 વીઘા જમીન અસરગ્રસ્ત બનવા જઈ રહી છે. જેને કારણે 30 ગામના અસરગ્રસ્ત ખેડૂતોએ આજે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપીને સૂચિત અને સંભવિત રેલ્વે લાઈન પ્રત્યે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો.
વેરાવળ-કોડીનાર નવી રેલવે લાઈનનો વિરોધ
વેરાવળથી કોડીનાર અને છારા વચ્ચે સંભવિત અને સૂચિત નવી રેલવે લાઈનને લઈને હવે ખેડૂતોમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. વેરાવળથી સુત્રાપાડા, કોડીનાર તાલુકાના અંદાજિત ત્રીસ જેટલા ગામો સંભવિત નવી રેલવે લાઈનથી અસરગ્રસ્ત બનવા જઈ રહ્યા છે. જેમાં મોટાભાગની જમીન ફળદ્રુપ અને ખેતીલાયક અસરગ્રસ્ત થશે. જેના વિરોધમાં આજે સોમનાથ કલેકટરને 30 અસરગ્રસ્ત ગામના ખેડૂતોએ સંયુક્ત પણે આવેદનપત્ર પાઠવીને રેલવે વિભાગ દ્વારા જે નવી સૂચિત રેલ્વે લાઈન નાખવાની કામગીરી શરૂ કરી છે તેનો વિરોધ વ્યક્ત કર્યો છે.
400 ખેડૂતો અને 2000 વીઘા જમીન થશે અસરગ્રસ્ત
વેરાવળથી સુત્રાપાડા, કોડીનાર અને છારા વિસ્તારમાં સંભવિત નવી રેલવે લાઇનનો પ્રોજેક્ટ જો અમલમાં આવે તો તેનાથી 30 ગામના 400 જેટલા ખેડૂતોની સાથે 1500 થી 2000 વીઘા ફળદ્રુપ અને ખેતીલાયક જમીન અસરગ્રસ્ત થશે. જેને કારણે આ વિસ્તારની એક માત્ર આવક સમાન ખેતી પડી ભાંગશે. જેની ચિંતા આ વિસ્તારના ખેડૂતોને આજે પણ સતાવી રહી છે. વેરાવળથી છારાની નવી રેલવે લાઇન નાખવાનો પ્રોજેક્ટ આજથી 10 વર્ષ પૂર્વે શરૂ થયો હતો. ત્યારથી ખેડૂતો આ પ્રોજેક્ટનો વિરોધ કરી રહ્યા છે અને હાલ જે હયાત રેલ્વે લાઈન કે જે તાલાલાથી પ્રાચી તરફ જાય છે, તેને ગેજ પરિવર્તન કરીને મોટી કરીને છારા સુધી લઈ જવાની વાત ખેડૂતો કરી રહ્યા છે.
પરંતુ સોમનાથથી છારા સુધી જમીન સંપાદન કરીને નવી રેલવે લાઇન નાખવાનો વિરોધ ખેડૂતો કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે, નવી જમીન સંપાદન કરીને રેલવે લાઈન નખાશે, તો ખેડૂતો બરબાદ થઈ જશે. આજે પણ ખેતરમાં વરસાદી પાણી ભરાય છે આવી સ્થિતિમાં જો નવી જગ્યા પરથી રેલ્વે લાઈન પસાર થાય તો 2000 વીઘા જેટલી ફળદ્રુપ અને કાળી જમીન રેલ્વે લાઈનમાં બરબાદ થઈ જશે. જેથી ખેડૂતો નવી રેલવે લાઈનનો વિરોધ કરી રહ્યા છે. વર્ષ 2016 માં આ પ્રોજેક્ટની શરૂઆત થતાં જ 2019 માં ખેડૂતો દ્વારા અનેક વાંધા અરજીઓ રેલવે વિભાગને મોકલવામાં આવી છે. તેમ છતાં આજદિન સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી, જેથી ખેડૂતોએ આજે કલેક્ટરને આવેદનપત્ર આપીને તેમની માંગણી સ્વીકારવાની વાત કરી છે.
આ પણ વાંચો: