વલસાડ : જિલ્લાના કાંઠા વિસ્તારમાં દરિયાઈ પટ્ટી પર આવેલા અનેક ગામોમાં ઝીંગા તળાવ આવેલા છે. જ્યાં ઝીંગા ઉછેર કરી લોકો પોતાનો રોજી રોટી મેળવતા હોય છે. પરંતુ આ રોજી મેળવવા માટે તેમણે ઇલેક્ટ્રિક મોટરનો ઉપયોગ કરવો પડતો હોય છે. જેમાં ખર્ચ બચાવવા અનેક જગ્યાઓ પર વીજ ચોરી જેવી ઘટનાઓ બનતી હોય છે. પરંતુ ભૌગોલિક પરિસ્થિતિ એવા પ્રકારની છે કે, જ્યાં વીજ કંપનીના કર્મચારીઓ અને વિજિલન્સ ટીમ પહોંચી શકતી નથી. પરંતુ વીજ કંપની દ્વારા વીજ ચોરી પકડવા માટે ડ્રોન કેમેરાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેના થકી વલસાડ ખાતેથી ઝીંગા તળાવમાં ડાયરેક્ટ કનેક્શન કરી વીજ ચોરી કરનારાને ઝડપી પાડવામાં આવ્યો હતો.
ટ્રાન્સફોર્મરમાંથી ડાયરેક્ટ કનેક્શન : ટ્રાન્સફોર્મરમાં ચિપિયા લગાવી સીધી વીજ ચોરીને અંજામ આપનાર ઝીંગા ફાર્મના માલિકને વીજ કંપનીની ટીમે ઝડપી પાડી જંગી દંડ ફટકાર્યો છે. વધેલી જગાલાલા ગામે કાંઠા વિસ્તારમાં ઝીંગા તળાવમાં થ્રી ફેસ કનેક્શનની મોટર માટે કોઈપણ ઈલેક્ટ્રીક મીટર વિના ડાયરેક્ટ કનેક્શન કરવામાં આવ્યું હતું. છેલ્લા કેટલાક સમયથી ઝીંગા તળાવના માલિક દ્વારા વીજ ચોરી કરવામાં આવી રહી હતી. આવી ચોરી માટે 500 મીટર જેટલી ખાડી ઓળંગીને વાયરો પણ નાખવામાં આવ્યા હતા. જેને પકડી શકવું અશક્ય હતું. પરંતુ વીજ કંપનીના વિજિલન્સ ટીમ દ્વારા ડ્રોન કેમેરાની મદદ વડે દેખરેખ કરતા આવી ચોરી પકડી પાડવામાં આવી છે.
વીજ ચોરી કરનારે વીજ ચોરીની તરકીબ અપનાવતા બામખાડીના 500 મીટરના પાણીમાં વાયરો છુપાવીને લઈ જવામાં આવ્યા હતા. જેથી કરીને વીજ ચોરીને અંગે કોઈને પણ જાણ ન થાય. પરંતુ વીજ કંપનીના કર્મચારીઓએ ડ્રોન કેમેરાનો ઉપયોગ કરીને નદીમાં છુપાવી લઈ જવામાં આવેલા વાયરો શોધી કાઢ્યા હતા. આ વાયરો કઈ તરફ જાય છે તે તપાસ કરતા સમગ્ર વીજ ચોરીનું કૌભાંડ બહાર આવ્યું છે. વીજ ચોરી કરનારાને જંગી દંડ ફટકારવામાં આવ્યો છે. -- અંકિત પટેલ (ડેપ્યુટી ઈજનેર, DGVCL)
વીજ ચોરીની તરકીબ : ભદેલી જગાલાલા ગામે ટંડેલ અમરતભાઈ રવજીભાઈ દ્વારા બામખાળી ઓળંગી 500 મીટર લાંબા વીજ તારો લગાવી ટ્રાન્સફોર્મરમાં ડાયરેક્ટ ચીપિયા સાથે કનેક્શન જોડવામાં આવ્યા હતા. આ કનેક્શન સીધું ઝીંગા ફાર્મમાં આવેલી થ્રી ફેઝ મોટરમાં આપવામાં આવ્યું હતું. જેના થકી ત્યાં આવેલી મોટરો કોઈ ઈલેક્ટ્રીક મીટરને જોડ્યા વગર સીધી જ ચલાવવામાં આવી રહી હતી. એટલે કે વીજ ચોરી કરીને છેલ્લા કેટલાક સમયથી ઝીંગા ફાર્મમાં તેનો ઉપયોગમાં લેવામાં આવી રહ્યો હતો. આ અંગેની જાણકારી દક્ષિણ ગુજરાત વીજ કંપનીની વિજિલન્સ ટીમને થતા તેમના દ્વારા ડ્રોન કેમેરાની મદદ વડે આ ચોરી શોધી કાઢવા કવાયત હાથ ધરી હતી. જેની દેખરેખ રાખવામાં આવતા સમગ્ર ઈલેક્ટ્રીક ચોરીનો પર્દાફાશ થયો છે.
અધધ રુ. 27,84,964 : દંડ વિજિલન્સ ટીમે વીજ ચોરી કરનારા ઝીંગા ફાર્મના માલિકને રંગે હાથે ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ તેની સામે કાયદેસરની કાર્યવાહી કરતા રુ. 27,84,964 નો જંગી દંડ ફટકારી દેતા ફફડાટ મચી જવા પામ્યો છે. આ ઘટના અંગેની જાણ થતાં આસપાસના પંથકમાં થતા વીજ ચોરી કરનારાઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. આ સાથે જ વીજ કંપનીના એન્જિનિયરના જણાવ્યા મુજબ આસપાસમાં પણ જો કોઈ ચોરી કરતા જણાય આવે તો તેમની સામે પણ આગામી દિવસમાં તેઓ કાર્યવાહી કરતાં ખચકાશે નહીં.