વલસાડઃ વૈશ્વિક મહામારી કોરોનાના કારણે દરેક નાના-મોટા રોજગાર અને વ્યવસાય પર તેની સીધી અસર પડી છે, ત્યારે સમગ્ર વર્ષ દરમિયાન મહેનત કરીને માટીની મૂર્તિ બનાવતા મૂર્તિકારોને આ વર્ષે કોરોનાનું ગ્રહણ નડી રહ્યુ છે. જિલ્લા કલેક્ટર દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામાની સીધી અસર મૂર્તિકારોના ધંધા-રોજગાર ઉપર પડી છે.
જાહેરનામાના કારણે બે ફૂટથી વધુ ઊંચી મૂર્તિ તેઓ વેચી શકશે નહીં, તો સાથે સાથે સાર્વજનિક મંડળો પણ ગણેશની સ્થાપના કરી શકશે નહીં, જેથી કરીને મૂર્તિકારોએ બનાવેલી મોટા ભાગની મૂર્તિઓ કોઈપણ ખરીદશે નહીં, જેના કારણે તેમના ધંધા-રોજગારને સીધી અસર થઈ છે અને તેઓને લાખો રૂપિયાનું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.
કોરોનાને કારણે અનેક લોકો બેરોજગાર બન્યા છે, તો અનેક વ્યવસાયો પણ તેની સીધી અસર પડી છે. જેમાં ગણેશની પ્રતિમા બનાવનારા મૂર્તિકારો પણ બાકી રહ્યા નથી. ગણેશ વિસર્જન થયાના બીજા દિવસથી મૂર્તિકારો આખું વર્ષ સુધી મહેનત કરી અનેક મૂર્તિઓ બનાવે છે, જેમાં લોકોની ડિમાન્ડ મુજબ અવનવા પ્રકારની મૂર્તિઓ, તસ્વીર ઉપરથી બનાવવાતી મૂર્તિઓ તેમજ વિવિધ મંડળોના બુકિંગ અનુસાર વિવિધ ઊંચાઈઓની મૂર્તિઓ મૂર્તિકારો દ્વારા બનાવવામાં આવે છે, જેની પાછળ તેઓ સતત કલાકો અને દિવસો સુધી મહેનત કરતા હોય છે.
આ મૂર્તિ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતી વિશેષ પ્રકારની માટી પણ એકંદરે મોંઘા ભાવે વેચાય છે, ત્યારે ખા વર્ષે પણ મૂર્તિકારોએ વિવિધ ઊંચાઈઓ ધરાવતી અને વિવિધ મંડળો ને જરૂરી હોય તેવી મૂર્તિઓ બનાવીને તૈયાર કરી હતી, પરંતુ કોરોનાની મહામારીનો પ્રકોપ વધતાં તેમના વ્યવસાય ઉપર સીધી અસર પડી છે. હાલ તેઓની પરિસ્થિતિ એટલી ગંભીર છે કે માંડ પાંચ ટકા જેટલા લોકોએ મૂર્તિ ખરીદવા માટે બુકિંગ કરાવ્યું છે, જેની પાછળનું મુખ્ય કારણ એ છે કે વલસાડ જિલ્લામાં જિલ્લા કલેક્ટરે એક જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે, જેમાં કોરોનાની મહામારીને કારણે સંક્રમણ ન વધે એવા હેતુથી કોઈપણ મંડળ કે કોઇપણ જાહેર સ્થળોએ ભંડાર લગાવી ગણેશજીની મૂર્તિની સ્થાપના થઈ શકશે નહીં, તો સાથે સાથે બે ફૂટ કરતાં વધુ ઊંચાઈની મૂર્તિ પણ કોઈપણ જગ્યાએ સ્થાપિત થઈ શકશે નહીં. એટલે કે મૂર્તિની સ્થાપના કરનારા લોકોએ પોતાના ઘરે બે ફૂટથી નાની પ્રતિમા જ સ્થાપિત કરવાની રહેશે.
આ નિયમને લઈને મૂર્તિકારોએ અગાઉથી જ તૈયાર કરેલી અનેક મોટી ઊંચાઇની મૂર્તિઓ હવે કોઇપણ ખરીદવા આવશે નહીં, જેના કારણે પૈસા ખર્ચીને બનાવવામાં આવેલી મોટી મૂર્તિઓ હવે એમને એમ જ પડી રહેશે. એટલું જ નહીં નાની મૂર્તિ ખરીદવા માટે પણ લોકો હવે આગળ નથી આવી રહ્યા, જિલ્લાના પારડી ખાતે છેલ્લા સાત-આઠ વર્ષથી માટીની પ્રતિમા બનાવતા મૂર્તિકારે જણાવ્યું કે હાલમાં કોરોનાને લઈને તેમના વ્યવસાય ઉપર અસર પહોંચી છે. લોકો મૂર્તિનું બુકિંગ કરાવવા પણ આગળ નથી આવી રહ્યા અને તેમણે મૂર્તિ બનાવવા માટે ઉપયોગમાં લીધેલા માલ મટિરિયલ્સના પૈસા પણ હવે નીકળી શકશે નહીં તેવી તેમને દેહશત છે.
મહત્વનું છે કે મહારાષ્ટ્રને અડીને આવેલા દક્ષિણ ગુજરાતમાં મહારાષ્ટ્રની સાથે સાથે ગણેશ મહોત્સવની ઉજવણી ખુબજ ધામધુમ પુર્વક થાય છે અને જેમાં ગણેશજીની પ્રતિમાઓ એક મહત્વનું અભિન્ન અંગ માનવામાં આવે છે, જેથી કરીને વિવિધ મંડળો અને સાર્વજનિક મંડળો અનેક સ્થળો ઉપર ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરતા હોય છે, તેમજ આ પ્રતિમાની ખરીદી તેઓ નક્કી કરેલા મૂર્તિકારો પાસેથી જ કરતા હોય છે, પરંતુ આ વર્ષે કોરોનાની મહામારી અને જાહેરનામાને લઈને મંડળો દ્વારા પણ ગણેશ સ્થાપના મોકૂફ રાખવામાં આવી છે. જેથી કરીને મૂર્તિકારોના વ્યવસાયને ગંભીર અસર પહોંચી છે.