કપરાડા તાલુકાના નાનાપોઢા ખાતે એન. આર. રાઉત હાઈસ્કૂલમાં જિલ્લા કક્ષાના વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે, તારીખ 2 ઓક્ટોબર થી 8 ઓક્ટોબર 2019 સુધી વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી થશે. કાર્યક્રમનો પ્રારંભ સ્કૂલના વિધાર્થીઓ દ્વારા પ્રાણી બચાવવાના સંદેશ સાથે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રાણીઓની વેશભૂષામાં વિધાર્થીઓ જોડાયા હતા. લોકોને વન્ય પ્રાણીઓને બચાવવા માટે જાગૃતતા લાવવા માટે વિધાર્થીઓએ પ્રયાસ કર્યો હતો. આ રેલીને રાજ્ય કક્ષાના પ્રધાન રમણ ભાઈ પાટકરે લીલીઝંડી આપી હતી.
રેલી નાનાપોઢાના કેટલાક વિસ્તારોમાં ફર્યા બાદ એન. આર. રાઉત હાઉસ્કૂલ ખાતે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વન વિભાગના અધિકારી એચ. એસ. પટેલે સ્વાગત પ્રવચન કરી સૌને આવકારતા જણાવ્યું હતું કે પ્રકૃતિને માતા તરીકે ગણવામાં આવે છે અને હિન્દૂ ધર્મમાં દરેક દેવી દેવતાઓ પાસે તેમના વાહનો પણ વન્ય શ્રુષ્ટિના જીવો છે, તેમની રક્ષા કરવી એ પણ એક ધર્મ છે. દક્ષિણ ઝોનના વન સંરક્ષણ અધિકારી એમ. જે. પરમાર એ જણાવ્યું હતું કે, સમગ્ર ભારતમાં 586 અભયારણ્ય અને 104 રાષ્ટ્રીય ઉદ્યાન છે, જ્યારે ગુજરાતમાં 4 રાષ્ટ્રીય ઉદ્યાન અને 33 અભયારણ્ય છે. તેમણે પ્લાસ્ટિક દ્વારા થઈ રહેલ હાનિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
સાંસદ ડો. કે. સી. પટેલે ગ્લોબલ વોર્મિંગ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. કપરાડા ધારાસભ્ય જીતુભાઇ પટેલે કહ્યું હતું કે સૃષ્ટિ વન્ય પ્રાણીથી જ શોભે છે, જેથી તેની રક્ષા કરવી જોઈએ. ધરમપુરના ધારાસભ્ય અરવિંદ ભાઈએ જણાવ્યું કે આદિવાસી વિસ્તારમાં કરવામાં આવેલ આયોજન ખૂબ યોગ્ય છે કારણ કે, આદિવાસીઓ જળ જંગલ અને જમીન સાથે સંકળાયેલા છે. એથી તેમને ખૂબ જ સારી રીતે વન્ય જીવોને સમજી શકે છે.
આ કાર્યક્રમ દરમ્યાન એનિમલ સેવિંગ સંસ્થાઓને તેમની કામગીરી કરવા માટે પ્રમાણ પત્રો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા, સાથે સાથે ચિત્ર અને પોસ્ટર સ્પર્ધામાં ઉજ્જવળ દેખાવ કરનાર વિધાર્થીઓને પ્રમાણ પત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
વન અને આદિજાતિના પ્રધાન રમણ પાટકરે વન્ય જીવ સૃષ્ટિને બચાવવા મનુષ્યએ પોતે આગળ આવવું પડશે, વન્ય જીવો ક્યારેય નુકશાન નથી કરતા, તેમ છતાં મનુષ્ય તેમને મારી નાખે છે, જેથી પ્રાણી સૃષ્ટિની કેટલીક પ્રજાતિઓ પર લુપ્ત થવાનું સંકટ છે.
આ કાર્યક્રમ દરમ્યાન જિલ્લા કલેકટર સી. આર. ખરસાણ, DDO અર્પિત સાગર, ડી. એફ. ઓ. પરમાર ,વલસાડના ધારાસભ્ય ભરત ભાઈ પટેલ સહિત અનેક કપરાડાના અગ્રણીઓ તથા રાજકીય નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.