વલસાડ : દમણથી મિજબાની કરી પત્ની સાથે કારમાં આવી રહેલા વાવના એસઆરપી જવાનની કાર પારડી પોલીસે મોતીવાડા બ્રિજ નજીક અટકાવી વાહન ચેકિંગ કરતા તેમાંથી પ્લાસ્ટિકના થેલામાંથી રૂપિયા 8000ના દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
વાહન ચેકીંગમાં પકડાયો દારુ : પારડી પોલીસ સ્ટેશનના પીએસઆઈ ડી. એલ. વસાવા આ.હે.કો.પરેશ નટુભાઈ, સામસિંગ સિંગા, જીઆરડી પુનેશ પટેલ વગેરે નાઈટ પેટ્રોલીંગ કરી રહ્યા હતાં. આ દરમિયાન મોતીવાડા બ્રિજ ઉતરતા આવી રહેલ એક હ્યુન્ડાઈ આઈ 10 કાર નંબર GJ 38 B 6549 ને શંકાને આધારે ઊભી રખાવી તપાસ દરમિયાન કારના પાછળના ભાગે સીટ નીચે પ્લાસ્ટિકના થેલામાં દમણ બનાવટનો દારુ તથા બિયરનો જથ્થો મળી આવ્યો હતો.
વાવ એસઆરપી ગ્રુપ 11માં નોકરી કરતો હતો : પારડી પોલીસ સ્ટેશનને લાવી તપાસ દરમિયાન પકડાયેલ ઈસમ હિતેશ ખોડાભાઈ ચૌહાણ ઉંમર વર્ષ 32 રહેવાસી બી 34 રવિ પાર્ક સોસાયટી રચના સ્કૂલની બાજુમાં બોમ્બે માર્કેટ પુણા રોડ પુણાગામ સુરત મૂળ રહે લીયા ગામ મૂળી તાલુકો જીલ્લો સુરેન્દ્રનગર તથા અલકાબેન હિતેશભાઈ ચૌહાણ હોવાનું જાણવા મળ્યું હતું.હિતેશ ખોડાભાઈ ચૌહાણ SRP ગ્રુપ 11 વાવ સુરત ખાતે આર્મ પોલીસમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો હોવાનો જણાતાં પારડી પોલીસ ચોંકી ગઈ હતી.
પકડાયેલ એસઆરપી જવાન દમણથી પોતાની પત્ની અલ્પાબેન ચૌહાણ સાથે કારમાં આવતો હતો. ત્યારે જ પોલીસે હાઇવે ઉપર વાહન ચેકિંગ દરમ્યાન દારૂનો જથ્થો મળી આવતા દબોચી લીધો હતો. પોલીસે પતિપત્ની બન્નેની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે....ડી. એલ. વસાવા (પીએસઆઈ, પારડી પોલીસ સ્ટેશન)
3,23000 નો મુદ્દામાલ જપ્ત : પારડી પોલીસે આઈ ટવેન્ટી કારમાં પ્લાસ્ટિકની થેલીમાં કુલ બિયર વ્હીસ્કીની 51 બોટલ કિંમત રુપિયા 8000 મોબાઈલ તથા ગાડી મળી કુલ 3,23,000 ના મુદ્દામાલ કબજે કરી પકડાયેલ એસઆરપી હિતેશ તથા બાજુમાં બેઠેલ અલકાબેનની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પાર્ટી માટે દારૂ લઈ જતાં હોવાની કેફિયત : પકડાયેલ એસઆરપી જવાને દારુનો જથ્થો વેચાણ માટે નહીં પરંતુ ભાણીયાનો જન્મ દિવસ હોય પાર્ટી કરવા માટે દમણથી સુરત લઈ જઈ રહ્યા હોવાની કેફિયત પોલીસ સમક્ષ રજૂ કરી હતી. જોકે હાલ તો એસઆરપી જવાન પત્ની સાથે દારૂની ખેપ મારતા ઝડપાઇ જતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
અગાઉ પણ દારૂની ખેપમાં કાયદાના રક્ષકો ઝડપાયાં છે : પારડી પોલીસે દારુ, મોબાઈલ અને ગાડી મળી 3,23,000 ના મુદ્દામાલ કબજે કર્યો છે. આ પ્રકારના ગુનામાં કાયદાના રક્ષક એવા પોલીસો આર્મી તથા એસઆરપી જવાનો સમયાંતરે પકડાઈ ચૂક્યા છે. દારુની હેરાફેરીમાં મહિલા બુટલેગરો પોલીસકર્મીઓ,આર્મી હોય કે એનઆરઆઈ સહિતના લોકો ઝડપાઇ ચુક્યા છે.
પોલીસથી બચવા કારમાં મહિલા સાથે ખેપ : સામાન્ય રીતે પોલીસ કારમાં મહિલાઓ સવારી કરી રહી હોય ત્યારે કોઈ ફેમિલી જતું હશે એમ માની પોલીસ આવા વાહન ચાલકોને કનડગત કરતી નથી. પરંતુ આવી તકનો જ ખેપિયાઓ લાભ ઉઠાવી લેતા હોય છે. હાલમાં દારૂની ખેપ મારવાના કિસ્સાઓમાં મહિલાઓ કારમાં હોવાથી પોલીસ દ્વારા તેમને ફેમિલી હશે સમજી જવા દેવાય છે. પરંતુ અગાઉ એક બે કિસ્સા બન્યા બાદ પોલીસ સતર્ક બની હતી અને વાહન ચેકીંગ સઘન કરતા કિસ્સા સામે આવી રહ્યા છે.