વલસાડ જિલ્લા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કારેલી કોલેજથી રેલી કાઢવામાં આવી હતી. જેમાં વિવિધ સૂત્રોચ્ચાર કરાયા હતા. જો કે, હાલમાં દરેક જિલ્લામાં વાતાવરણ તંગ બન્યું છે, ત્યારે કોઈપણ પોલીસ મથક દ્વારા આવી રેલીઓ યોજવાની પૂર્વે તેની પરવાનગી લેવી જરૂરી બનતી હોય છે. પરંતુ ABVP દ્વારા સમગ્ર બાબતે કોઈને જાણકારી આપવામાં આવી નહોતી કે, આ અંગે પોલીસ વિભાગમાંથી કોઈ પરવાનગી લેવામાં આવી હતી.
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સભ્યો દ્વારા આ રેલી હાલના નવા બનેલા નાગરિકતા સંશોધન એકટના સમર્થનમાં કાઢવામાં આવી હતી. છતાં પણ તેમના દ્વારા અગાઉથી આ રેલી યોજવા અંગે કોઈ પણ પરવાનગી લેવાઈ ન હતી. જેને લઇને જ્યારે આ રેલી પોસ્ટ ઓફિસ સર્કલથી પરત કોલેજ તરફ જઈ રહી હતી. ત્યારે વલસાડ શહેર પી.આઇ દેસાઈ અને તેમની ટીમ આ રેલીને રોકી વર્તમાન સમયની સ્થિતિ અંગે જણાવી એમને સમજાવ્યા હતા.
રેલી યોજવા પૂર્વે પરવાનગી લેવા અંગેની પણ વાતચીત કરી હતી. તેમજ રેલીમાં કોઈપણ પ્રકારના સૂત્રોચ્ચાર ન કરવાનું તેમણે સૂચન કર્યું હતું. જો કે, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના વિદ્યાર્થીઓએ પોલીસનું સૂચન માન્ય રાખીને આ રેલીને ત્યાં જ બંધ કરીને વિદ્યાર્થીઓ ત્યાંથી રવાના થઈ ગયા હતા.
![valsad-abvp-students-rally-without-permission](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/5448690_valsad.jpg)
નોંધનીય છે કે, હાલના નવા બનેલા એકટને લઈને દરેક જિલ્લામાં પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત મૂકવામાં આવ્યો છે. તેમજ દરેક જીલ્લામાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ દરેક સ્થળ ઉપર નજર રાખી રહી છે. ત્યારે આવા સમયે કોઈ પણ પરવાનગી વિના રેલી કાઢવી એ યોગ્ય ન કહી શકાય. પરંતુ પોલીસની સમજાવટ બાદ નીકળેલી રેલીના યુવાનોએ રેલી અધવચ્ચે પડતી મૂકી હતી.