વલસાડઃ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ વલસાડ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને રવિવારે એક આવેદનપત્ર આપ્યું છે. આ આવેદનપત્રમાં લોકડાઉનના સમયમાં ખાનગી શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓનું શોષણ કરવામાં આવી રહ્યું છે.
દરેક વાલીઓને પોતાના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા માટે કેટલી સ્કૂલો દ્વારા કોરા ચેકો લખાવી લેવામાં આવ્યા છે, તો કેટલીક સ્કૂલો દ્વારા પ્રવેશ ફોર્મના નામે 1000 રૂપિયા વસૂલ કરવામાં આવી રહ્યા છે. આવી શાળાઓ સામે કાયદાકીય કાર્યવાહી થાય તે જરૂરી છે. આ સંદર્ભે ABVP વલસાડ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું છે.
વલસાડ જિલ્લા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વલસાડ જિલ્લા શિક્ષણ અધિકારીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં પાંચ મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, લોકડાઉન દરમિયાન ખાનગી શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓનું ફીના નામે શોષણ કરવામાં આવી રહ્યું છે.
આ આવેદન પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યભરની તમામ ખાનગી શાળાઓ અને અર્ધ સરકારી શાળાઓમાં ફીમાં વધારો કે પછી ફી ઉઘરાવવા દબાણ ન કરવા માટે રાજ્યના શિક્ષણ પ્રધાન દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. તેમ છતાં પણ તેમના શબ્દોનો કોઈ મોલ વલસાડ જિલ્લામાં ન હોય એવું લાગી રહ્યું છે.
ABVP વલસાડ દ્વારા પઠવવામાં આવેલા આવેદનપત્રના મુદ્દા
- ખાનગી શાળા વાલીને ફી ભરવા માટે દબાણ કરે તો શાળા વિરૂદ્ધ ફરિયાદ કરવા માટે જિલ્લા શિક્ષણ અધિકારી વલસાડ માટે એક હેલ્પ લાઈન નંબર ચાલુ કરાવે
- પોતાની શાળામાંથી જ ગણવેશ કે પુસ્તકો લેવા માટે દબાણ કરતી શાળાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે
- વલસાડ શહેરની કેટલીક શાળાઓ પ્રથમ વર્ષમાં અભ્યાસ માટે પ્રવેશ મેળવવા માટે 1000 રૂપિયાનું ફોર્મ આપીને ફી વસુલ કરી રહ્યા છે. જિલ્લાની તમામ શાળાઓની ફોર્મ ફી અંગે વિગતો મેળવી આવું કરનારી શાળાઓની ફોર્મ ફી અંગેની માહિતી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે
- શાળા બહાર જિલ્લા શિક્ષણ અધિકારીની હેલ્પલાઇનના પોસ્ટર લગાડવામાં આવે જેથી કોઈ શાળા નિયમ વિરૂદ્ધની પ્રવૃત્તિ કરે તો વાલીઓ એના પર ફરિયાદ નોંધી શકે
આ બાબતે જિલ્લા શિક્ષણ અધિકારીએ આવેદનપત્ર સ્વીકારી આ સમગ્ર બાબતે પગલા લેવાની માટે ખાતરી આપી છે અને તમામ મુદ્દાઓને તેમને ગંભીરતાપૂર્વક ધ્યાન લઈને તાત્કાલીક પગલા લેશે તેવું જણાવ્યું હતું.