વલસાડઃ ટ્રાવેલ બસ એસોસિએશન દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તેમણે lockdown ને unlock એકમાં અત્યાર સુધી બસ સંચાલકો તેમજ સંચાલકોને પડી રહેલી મુશ્કેલી તેમજ આરટીઓ દ્વારા બસ સંચાલકોને થતી હેરાનગતિ અંગે માહિતી આપવામાં આવી હતી.
બસ એસોસિએશનના પ્રમુખ અભિષેક બલસારાએ એક ચોંકાવનારી માહિતી આપતા જણાવ્યું કે, કેટલીક કંપનીઓ દ્વારા કર્મચારીઓને લાવવા મુકવા હાલમાં સ્કૂલ બસ દ્વારા ગેરકાયદેસર ફેરા મારી સરકારી તિજોરીને નુકસાન કરવામાં આવી રહ્યું છે. તેમજ તેમણે આરટીઓ વિભાગ દ્વારા ગેરરીતિ કરવામાં આવી રહી હોવાનો ખુલાસો કર્યો હતો. કંપનીઓમાં સ્કૂલ બસ દોડાવવામાં આવી રહી છે, તેની કોણે પરવાનગી આપી તે મુદ્દો તપાસનો વિષય છે. હાલ જે સ્કૂલ બસ દોડાવવામાં આવી રહી છે તે બિલકુલ ગેરકાયદેસર હોવાનું તેમણે જણાવ્યું હતું.
વલસાડ જિલ્લામાં હાલમાં 20થી 25 બસો દોડી રહી છે અને અગાઉ પણ બસ સંચાલકો દ્વારા આવી સ્કૂલ બસોને પકડીને આરટીઓ વિભાગને જાણ કરતા આરટીઓ વિભાગ દ્વારા નજીવો દંડ આપી છોડી મૂકવામાં આવી હતી. આરટીઓ દ્વારા ટ્રાવેલ્સ સંચાલકો પાસે 22000 માસિક ટેક્સને સ્કૂલ બસો પાસેથી વાર્ષિક આઠ હજાર જેટલો ટેક્સ લેવામાં આવે છે. પરંતુ સ્કૂલ બસ ગેરકાયદેસર રીતે ફેરા મારી રહી છે અને 30 મિનિટમાં 28 વ્યક્તિઓ બેસાડી નિયમનો ભંગ કરી રહી છે. ત્યારે તેઓએ આ અંગે સંબંધિત વિભાગનું ધ્યાન દોરી પોતાને થઇ રહેલા અન્યાય બાબતે ઘટતું કરવાની માંગ કરી છે.
નોંધનીય છે કે ખાનગી બસ એસોસિએશન દ્વારા અગાઉ પણ કેટલીક સ્કૂલ બસો રોડ ઉપરથી પકડીને આરટીઓને સોંપવામાં આવી હતી. આ બસોમાં કેટલીક ખાનગી કંપનીઓના કર્મચારીઓને આવાગમન કરાવવામાં આવી રહ્યું હતું.