- જિલ્લામાં માવઠાથી શિયાળુ પાકને નુકસાનની ભીતિ
- લોકોએ બેવડી ઋતુનો અનુભવ કર્યો
- જિલ્લામાં ઠંડીનો પારો 14 ડિગ્રીએ અટક્યો
વાપી : વલસાડ જિલ્લામાં સતત બે દિવસથી વાતાવરણમાં પલટો આવ્યા બાદ શુક્રવારના સવારના છ વાગ્યાથી લઈને શનિવારના સાંજના છ વાગ્યા સુધીમાં સરેરાશ બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જેને કારણે ઠંડીનું પ્રમાણ વધતા વલસાડ જિલ્લામાં લઘુતમ તાપમાન 14 ડિગ્રી પર અટક્યું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ પણ 86 ટકા સાથે પવનની ગતિ 10 કિલોમીટર રહી હતી.
ખેતીવાડી વિભાગે નુકસાનનો સર્વે હાથ ધર્યો
વાતાવરણમાં આવેલા પલટાને કારણે શિયાળુ પાક લેતા ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે. કમોસમી વરસાદ વરસતા ખેતીવાડી અને બાગાયત વિભાગે પણ હવામાનના પલટા બાદ જિલ્લામાં કેટલું નુકસાન થયું છે, તેનો ક્યાસ કાઢવા કમર કસી છે.