વલસાડ : આદિવાસી સમાજની સમગ્ર ભારતમાં આવેલી 781 જાતિના લોકોનું એકીકરણ થાય અને તમામ જાતિ એક સમૂહ બને તેવો હેતુ, તેમજ આદિવાસી સમાજ ઉપર વધતા જતા અત્યાચારને રોકવાના હેતુ સાથે આદિવાસી સમાજને એક મંચ ઉપર લાવવા ઝારખંડથી નીકળેલી આદિવાસી સુરક્ષા યાત્રા આજે ધરમપુર ખાતે આવી પહોંચી હતી. આ યાત્રા ઝારખંડથી છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર થઈ આજે ગુજરાતના ડાંગ-આહવા બાદ વલસાડના ધરમપુર ખાતે આવી પહોંચી આવી હતી.
ધરમપુરમાં યાત્રાનું સ્વાગત : આદિવાસી સમાજ સુરક્ષા યાત્રાનું ભવ્ય સ્વાગત સ્થાનિક આદિવાસી અગ્રણીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. ધરમપુર સર્કિટ હાઉસ ખાતે આવી પહોંચેલી આદિવાસી સુરક્ષા યાત્રાના સ્વાગત પ્રસંગે ગણેશભાઈ બિરારી, ડો. તરુણ વાઢું, દિનેશભાઇ ભોયા, સતિષભાઈ તેમજ રાહુલભાઈ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ સર્કિટ હાઉસ ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
અત્યાર સુધીમાં સમગ્ર ભારતના વિવિધ રાજ્યોમાં 4,000 કિમી જેટલું અંતર કાપ્યું છે. 781 જેટલી વિવિધ આદિવાસી સમાજની જાતિઓના એકત્રીકરણ અને એક મંચ ઉપર લાવવાનો આ પ્રયાસ છે. નહીં તો આવનારા સમયમાં આદિવાસી સમાજ માટે તેની મૂળ સંસ્કૃતિ ટકાવી મુશ્કેલ બની જશે. ઉપરાંત પોતાના હક્ક અને અધિકાર માટે પણ તમામ આદિવાસી સમુદાયના લોકોને એક મંચ ઉપર આવવું પડશે. -- રાજુભાઈ વળવાઈ (આદિવાસી સુરક્ષા રેલીના અગ્રણી)
આદિવાસી સમાજ સુરક્ષા યાત્રા : આદિવાસી સુરક્ષા યાત્રામાં આવેલા અગ્રણી કેતન બામણીયા અને રાજુભાઈ વળવાઈ દ્વારા આ યાત્રાના હેતુ અંગે જણાવવામાં આવ્યું હતું. ઉલ્લેખનિય છે કે, આ સુરક્ષા યાત્રા આદિવાસી સમુદાયના મહાન સેના નાયક બિરસા મુંડાના ગામથી 9 ઓગસ્ટના શુભ દિને શરૂ કરવામાં આવી હતી. જે ઝારખંડથી છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર થઈને ગુજરાતમાં આહવા-ડાંગ વિસ્તાર બાદ વલસાડ જિલ્લામાં પ્રવેશી હતી. આજે આ યાત્રા ધરમપુર ખાતે પહોંચી હતી. ત્યાં સ્થાનિક આદિવાસી સંગઠન અને અગ્રણીઓ દ્વારા યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
આદિવાસી સમાજ યાત્રાનો હેતુ : આદિવાસી સુરક્ષા યાત્રાના આગેવાન રાજુભાઈએ જણાવ્યું કે, યાત્રાના મુખ્ય ઉદ્દેશ ત્રણ મુદ્દા લઈને ચાલવાનો છે. જેમાં આદિવાસી સમાજનું એકીકરણ, આદિવાસી સમાજની સંસ્કૃતિનું શુદ્ધિકરણ તેમજ સામાજિક અને રાજનીતિક ક્ષેત્રે આદિવાસી સમાજમાં જાગૃતતા. આ હેતુથી સુરક્ષા યાત્રા વિવિધ રાજ્યોમાં ફરી જાગૃતિ ફેલાવવાનું કામ કરી રહી છે. આ રેલી અત્યાર સુધીમાં 4,000 કિલોમીટરનું અંતર કાપી ચૂકી છે. જે કુલ 54 દિવસ સુધી વિવિધ રાજ્યોમાં ફરશે. આગામી 2 ઓક્ટોબરના રોજ આરેલી પાલધરવા ગામ ખાતે યાત્રા પૂર્ણ કરવામાં આવશે. ઉલ્લેખનિય છે કે, ઈસવીસન 1922 માં 1200 જેટલા આદિવાસીઓની આ સ્થળે હત્યા કરવામાં આવી હતી.
આદિવાસી સમાજનું એકીકરણ : સુરક્ષા યાત્રાના આગેવાને વધુમાં જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટના જજમેન્ટ મુજબ આ દેશ ઉપર પહેલો માલિક આદિવાસી છે. જોકે તેને મળેલા હક્ક-અધિકાર અને મૂળ માલિક પોતાની માલિકી ભૂલી જાય એ માટે આદિવાસીને પ્રતાડીત કરવામાં આવે રહ્યા છે. તેઓ પોતાની તમામ ચીજો ભૂલી જાય પણ તેમના રક્ષણ અને હક્કના અધિકાર માટે તેઓને જાગૃત કરવા પ્રયાસ સ્વરૂપે અમે રેલી લઈને નીકળ્યા છીએ. જ્યાં આદિવાસી સમાજની દરેક જાતિનું એકીકરણ થાય તે માટે પ્રયાસ હાથ ધર્યો છે. જેમાં જરૂર સફળતા મળશે તેવું રાજુભાઈએ જણાવ્યું હતું. આમ 54 દિવસ સુધી ચાલનારી આ રેલીમાં આદિવાસી સમાજને સંસ્કૃતિની શુદ્ધતા અને તેમજ એકીકરણની વાત કરવામાં આવશે.