સમગ્ર ગુજરાતમાં પ્રવાસન વિભાગ દ્વારા પર્યટકોને આકર્ષિત કરવા માટે દર વર્ષે દરીયાકિનારે બીચ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે. તે મુજબ આ વર્ષે પણ તા.21 થી 4 નવેમ્બર સુધી માંડવી માધવપુર અને તીથલ આ ત્રણે દરિયાકિનારે એક સાથે બીચ ફેસ્ટિવલનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર અરબી સમુદ્રમાં સ્થિત થયેલું સાયકલોન 'મહા' ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકી શકે છે. જેના ભાગરૂપે પ્રવાસન વિભાગ અને સ્થાનિક વહીવટીતંત્ર બીચ ફેસ્ટિવલને અડધેથી પડતો મૂકવાનો વારો આવ્યો હતો. જો કે, તા.4 ના રોજ કાર્યક્રમનો સમાપન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ વહીવટી તંત્રના આદેશો અને પ્રવાસન વિભાગના પરીપત્ર બાદ તા. 3 ના રોજ સવારથી જ બીચ ફેસ્ટિવલના તમામ કાર્યક્રમ બંધ કરી દેવાયા હતા.
પ્રવાસન વિભાગના PRO નિકિતા બેને જણાવ્યું હતું કે, હવામાન વિભાગની આગાહીને પગલે તકેદારીના ભાગરૂપે વહીવટી તંત્ર અને સરકાર દ્વારા દરિયા કિનારે ચાલતા આ કાર્યક્રમને રદ કરવા માટે લેખિતમાં સૂચન કરવામાં આવ્યું હતું. જેને અનુલક્ષી આ કાર્યક્રમને અડધેથી પડતો મૂકવામાં આવ્યો હતો.
રાજયમાં આવનાર દરેક પ્રવાસીઓની સલામતી માટે ગુજરાત પ્રવાસન ચિંતિત છે. ગુજરાત તથા ગુજરાત બહારથી આવનારા પ્રવાસીઓને જ્યાં સુધી હવામાનની સ્થિતિ સામાન્ય ન થઈ જાય ત્યાં સુધી દરિયા કાંઠે ન જવા અને સલામત સ્થળે રહી જરૂર જણાય ત્યારે સ્થાનિક વહીવટી તંત્રની મદદ લેવા નમ્ર અપીલ કરવામાં આવી છે.