વલસાડઃ રાજ્યસભાની ચૂંટણી આગામી તારીખ 19 જૂનના રોજ આવી રહી છે, જેને લઇને કોંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામા આપતા કોંગ્રેસ પક્ષમાં ખળભળાટ મચી ગયો છે. કોંગ્રેસ પક્ષને તૂટતો બચાવવા માટે કોંગ્રેસના અગ્રણીઓ અને મોવડી મંડળ દ્વારા તેમના ધારાસભ્યો વધુ કોઈ રાજીનામા આપી દે તેવો ક્યાંકને ક્યાંક એમને ડર સતાવી રહ્યો છે અને આ ડરને દૂર કરવા માટે તેમણે તમામ ધારાસભ્યોને હાલ કોઈક ને કોઈક રિસોર્ટ અને ફાર્મ હાઉસમાં એકસાથે ભેગા કર્યા છે. જેને લઇને દક્ષિણ ગુજરાતના કોંગ્રેસના ધારાસભ્યોને પણ વલસાડ જિલ્લાના એક કોંગ્રેસ અગ્રણીના ફાર્મ હાઉસ ઉપર લાવવાની તજવીજ રવિવારથી હાથ ધરવામાં આવી હતી.
પરંતુ કોંગ્રેસે હાલમાં તે સ્થળ પણ સમય ઉપર જ બદલી નાખ્યું છે અને કોંગ્રેસ અગ્રણીના ફાર્મ હાઉસને બદલે આ તમામ ધારાસભ્યોને વલસાડના વશિયર ખાતે આવેલા એક ખાનગી રિસોર્ટમાં મોડી સાંજે લાવવામાં આવ્યા હતા, અહીં પહોંચેલા ધારાસભ્યોમાં પુનજી ગામીત, આનંદ ચૌધરી, પી.ડી વસાવા, અનંત પટેલને વલસાડ વશિયર ખાતે આવેલા ખાનગી રિસોર્ટમાં મોડી સાંજે પોતાના વાહનોમાં પહોંચ્યા હતા.
હવે આગામી દિવસમાં કોંગ્રેસ તેમની સાથે પોતાની રણનીતિ નક્કી કરશે તેવું જણાઈ રહ્યું છે, જો કે ક્યાંકને ક્યાંક કોંગ્રેસ પક્ષને એક વાતની ચોક્કસપણે બીક છે કે તેઓના ધારાસભ્ય ક્યાંક રાજીનામું ના આપી દે.