વાપીઃ વાપી GIDC જીઆઇડીસી પોલીસે બાતમીના આધારે UPL બ્રીજ તરફથી સર્વિસ રોડ પર આવતી કારને અટકાવી ચાલકની પાસે રાખેલા મોબાઇલમાં ચકાસણી કરતા તે ઓનલાઇન ક્રિકેટ ઉપર સટ્ટા રમતો હોવાનું બહાર આવ્યું હતું. આરોપી ચાલક ચિંતન ભરત શાહે આરોપી અક્ષય જૈન પાસેથી રૂપિયા 25 હજારની પેટા આઇડીની ખરીદી કરી ઓનલાઇન સટ્ટા બેટિંગના નીકળતા ભાવ ઉપર રૂપિયા વડે જુગાર રમતો હતો. પોલીસે કાર અને મોબાઇલ મળી કુલ રૂપિયા 1.15 લાખનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી. આરોપીઓએ જણાવ્યું હતું કે, મંગળવારે ચેન્નઇ અને હૈદરાબાદની મેચમાં જુગાર રમી રહ્યાં હતાં.
બીજા કેસમાં વાપી VIA રોડ પરથી કારના ચાલકને અટકાવી આરોપી ચાલક ચિરંજન ઉર્ફે બંટી નિતીન શાહને અટકાવી તેની પાસેથી મળેલા મોબાઇલની ચકાસણી કરી પૂછપરછ કરતાં તેમણે જણાવેલ કે, અભિલાષ ઉર્ફે અભિ શાહે તેને રૂપિયા 5000ની પેટા આઇડી આપી હતી અને તેણે ક્રિકેટ મેચનો ઓનલાઇન સટ્ટો રૂપિયાની લેવડદેવડ કરી રમતો હોવાનું જણાવ્યું હતું. પોલીસે કાર અને મોબાઇલ કિંમત રૂપિયા 1.25 લાખના મુદ્દામાલ સાથે આરોપીની અટકાયત કરી હતી. જેમાં અભિલાષને વોન્ટેડ જાહેર કરાયો છે.