વલસાડઃ કોરોનાની મહામારીમાં જનસેવા ગ્રુપ તરમાલિયાના યુવકો ઉમદા કાર્ય કરી રહ્યાં છે. 2 લાખ જેટલી સંશમની વટી આયુર્વેદિક ગોળીઓ બનાવી મફતમાં વિવિધ ગામોમાં વિતરણ કરી રહ્યાં છે. યુવકો દ્વારા જાતે જ આયુર્વેદિક ડોકટરના નેતૃત્વ અને નિર્દેશમાં ગોળીઓ બનાવવાની કામગીરી કરવામાં આવી છે. મહત્વનું છે કે સંશમનીવટી ટેબ્લેટ કોરોના સામે લડવા રોગો પ્રતિકારક શક્તિ વધારે છે.
સમગ્ર વિશ્વમાં કોરોના જેવી મહામારી ચાલી રહી છે અનેક દેશોમાં હજારોની સંખ્યામાં આ રોગને કારણે લોકો મોતને ભેટી રહ્યાં છે. ત્યારે આવા સમયે આ રોગ સામે ટક્કર આપવા માટે ભારતીય આયુર્વેદમાં તેની સામે લડવા માટેનો અક્ષીર ઈલાજ છે. ભારતના આયુષ મંત્રલાય દ્વારા પણ કારોના સામે રોગપ્રતિકારક શક્તિ વધે તે માટે ગીલોઇ (ગળો)માંથી બનેલી સંશમની વટી આપવામાં આવી રહી છે. ત્યારે વલસાડ જિલ્લાના પારડી તાલુકાના જનસેવા ગ્રુપના યુવાનો દ્વારા આયુર્વેદના લોકમંગલમ ટ્રસ્ટના નેતૃત્વમાં ગળો (ગીલોય) જેને સ્થાનિક ભાષામાં ઘામરીયાના વેલા તરીકે ઓળખવામાં આવે છે. તેને મેળવીને ગામમાં જ યુવકો દ્વારા 2 લાખ જેટલી સંશમની વટીની 2 લાખ જેટલી ગોળીઓ બનાવવામાં આવી છે.
આ ગોળીઓ બનાવી કેટલાક ગામોમાં ગોળીઓનું વિતરણ કરવામાં આવ્યું છે, તો હજી પણ અનેક ગામોમાં વિતરણ ચાલી રહ્યું છે. આ ગોળીઓ તદ્દન નિઃશુલ્ક પણે આપવામાં આવી રહી છે.
ડૉ.વિરલ પટેલ, ડૉ.પાર્થ પટેલ અને ડૉ.પ્રતીક પટેલના માર્ગદર્શનમાં યુવકો દ્વારા ગામના અનેક જંગલ ઝાડીઓમાંથી ગળો મેળવી તેમાંથી ઘનત્વ કાઢીને ગોળીઓ બનાવવામાં આવી છે. જેના માટે યુવકો દિવસ રાત મહેનત કરી રહ્યાં છે.
આયુર્વેદમાં બી.એમ.એ.એસ થયેલા ડૉ.પ્રતીક પટેલે જણાવ્યું કે, ગળો એ આયુર્વેદ મુજબ અમૃતના બિંદુમાંથી ઉગેલી વેલ છે. જેનો ઉપયોગ અનેક રોગોને દૂર કરવા માટે કરવામાં આવે છે. કહેવાય છે કે જ્યારે રામાયણ કાળમાં રામ રાવણનું યુદ્ધ થયું હતું એ સમયે ઘવાયેલા રામની સેનાના સૈનિકો માટે ભગવાન રામે અમૃતની બુંદોની વૃષ્ટિ કરી હતી અને બુંદો જ્યાં પડી એ સ્થળે જ ગળો જેવી વનસ્પતિ ઊગી હતી. જે આજે પણ દરેક રોગો સામે સંજીવનીનું કામ કરે છે.
મહત્વનું છે કે, કોરોના બીમારી સામે લડવા માટે રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે આયુષ મંત્રલાય ભારત સરકાર દ્વારા જે ગોળીને માન્યતા મળી છે એ સંશમની વટી ગોળી પારડીના યુવાનોએ જાતે બનાવી છે અને નિઃશુલ્ક વિતરણ કરી સેવા યજ્ઞ શરૂ કર્યો છે.