વલસાડના ધરમપુર ખાતે વાસ્મો પેય જળ યોજના દ્વારા લોકભાગીદારી દ્વારા છેલ્લા 2 વર્ષમાં કુલ 64 સ્થળે પાણીની યોજના કાર્યાન્વિત કરવામાં આવી છે. જેમાં 12 સ્થળે ઇલેક્ટ્રિકને લાગતા પ્રશ્નોને કારણે યોજના અંતર્ગત પાણીની ટાંકી બની ગઈ હોવા છતાં તે શરૂ નથી થઈ. જે અંગે તાલુકાની સંકલન સમિતિની બેઠકમાં પણ ચર્ચા થઈ. જોકે હકીકત જાણવા માટે જ્યારે ETV ભારતની ટીમે તે સ્થળની મુલાકાત લીધી તો હકીકત કંઇક અલગ જ બહાર આવ્યું છે.
લોકોનું કહેવું હતું કે ટાંકી બની ગયા બાદ હજુ સુધી કોઈ કનેક્શ આપવામાં ન આવતા એક વર્ષ થવા છતાં ટાંકી શોભના ગાંઠિયા સમાન બની છે. ETV ભારતની ટીમે ધરમપુરના હનુમંત માળ ગામે બનેલી ટાંકીની મુલાકાત લીધી ગામના છેવાડે ચેક ટેકરી ઉપર 50 હજાર લીટરની ટાંકી બનાવવામાં આવી છે. પણ અહીં ઇલેક્ટ્રિક કનેક્શન નથી અહીંના મોહપાડા અને રાઉત ફળીયાના લોકોને કનેક્શન દીઠ 300 રૂપિયા લેવાયા હતા પણ હજુ સુધી પાણી મળ્યું નથી. 40થી 50 ઘરોના લોકો આજે પણ પોતાની રીતે પાણી લાવી રહ્યા છે. આ તો વાત માત્ર એકજ ગામની થઈ આવા તો અન્ય ગામો વાઘવડ 1 ,વાઘવડ 2, સાદરવેરા, હનુમંત માળ, જાગીરી,અવલખંડી 1 ,અવલખંડી 2, જાગીરી,મનાઈચોઢી, પિંડવળ ,તણસિયા,ચવરા, જેવા અનેક ગામોમાં સરકારે લાખોના ખર્ચે યોજના તો અમલમાં મૂકી અને એ બની પણ ગઈ પણ ઇલેક્ટ્રીક કનેક્શન વિના આ યોજના માત્ર શોભાના ગાંઠિયા સમાન બની છે.
સમગ્ર બાબતે સ્થાનિકોએ રોષ ઠાલવતા જણાવ્યું કે, બે વર્ષ અગાઉ લોકોને પાણી આપવાની વાતો કરો 20 /80ની લોકભાગીદારી દ્વારા વાસ્મો દ્વારા 50 હજાર લીટરની ટાંકીઓ બનાવવામાં આવી પણ તે વાત ને 2 વર્ષ થવા છત્તા અહીં કોઈ કનેક્શન ન આપવામાં આવતા કે કોઈ મીટર ન આપવામાં આવતા આજ દિન સુધી 10 ગામોમાં યોજના શોભા વધારી રહી છે.