- વલસાડ-સંઘપ્રદેશમાં મેઘરાજાનું આગમન
- નદીનાળા છલકાયા, મધુબન ડેમમાં 5056 ક્યુસેક નવા નીર
- સરેરાશ અડધાથી 3 ઇંચ વરસાદ વરસ્યો
વલસાડ : જિલ્લાના વાપી- કપરાડા સહિતના તાલુકાઓમાં તેમજ સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં 5 દિવસ વહેલું ચોમાસુ બેસી જતા ધરતીપુત્રોમાં ખુશીની લહેર જોવા મળી છે. દાદરા નગર હવેલીમાં 24 કલાકમાં 3 ઇંચ જ્યારે વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં 6 કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબકતા ઠેરઠેર નદીનાળા છલકાયા છે.
વલસાડ તાલુકામાં 4 mm વરસાદ વરસ્યો
મુંબઈમાં પડી રહેલા ધોધમાર વરસાદની અસર દક્ષિણ ગુજરાત અને સંઘપ્રદેશમાં પણ વર્તાઈ છે. વલસાડ જિલ્લામાં અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં સરેરાશ 3 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. વલસાડ જિલ્લા કન્ટ્રોલ રૂમ તરફથી મળેલી વિગતો મુજબ 8 જુનના સવારના 9 વાગ્યાથી 9 જુનના બપોરના 12 વાગ્યા સુધીમાં કપરાડા તાલુકામાં 71 mm, વાપી તાલુકામાં 25 mm, પારડી-ધરમપુર તાલુકામાં 15-15 mm, ઉમરગામ તાલુકામાં 6 mm જ્યારે વલસાડ તાલુકામાં 4 mm વરસાદ વરસ્યો હતો.
દાદરા નગર હવેલીમાં 72.6 mm વરસાદ
વલસાડ જિલ્લાની સાથે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં પણ મેઘરાજાએ વહેલું આગમન કર્યું છે. દાદરા નગર હવેલી કન્ટ્રોલ રૂમ તરફથી મળેલી વિગત મુજબ 8મી જુનના સવારના 8 વાગ્યાથી 9મી જુનના સવારના 8 વાગ્યા સુધીમાં 72.6 mm વરસાદ વરસ્યો છે.
લોકોએ માછલી પકડવાની મજા માણી
દાદરા નગર હવેલીમા મોડીરાતથી જ વરસાદનું આગમન થયુ હતુ. જેના કારણે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. બાલદેવી અને આજુબાજુના વિસ્તારમા નદીનાળા છલકાતા સ્થાનિક લોકોએ માછલી પકડવાની મજા માણી હતી. ગ્રામ્ય વિસ્તારમાં બે ફળિયા કે ગામને જોડતા કોઝવે ઉપરથી પાણી પસાર થતા વાહનચાલકોએ તકલીફનો સામનો કર્યો હતો.
આ પણ વાંચો: નવસારીમાં મેઘાની પધરામણી, વરસાદ બાદ બફારામાં લોકો શેકાયાં
ડાંગરની ખેતી કરતા ખેડૂતોમાં ખુશી
આ વખતે આ પંથકમાં ચોમાસાની નિયત શરૂઆત કરતા 5 દિવસ વહેલું ચોમાસુ બેસી ગયું છે. વહેલા વરસાદને કારણે કેટલાક ખેતરોમાં પાણી ભરાયા હતાં. આંબાવાડીઓમાં કેરીના પાકને નુકસાન થયું છે. જ્યારે ડાંગરની ખેતી કરતા ખેડૂતોમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે. ખેડૂતો ડાંગરની ખેતી માટે ખેડ અને રોપણીની તૈયારી કરતા જોવા મળ્યા હતાં.
આ પણ વાંચો: મુંબઇમાં 4 માળની બિલ્ડિંગ ધરાશાયી થતા 11 લોકોના મોત, 8 ગંભીરરૂપથી ઇજાગ્રસ્ત
નગરજનોએ પણ ટાઢકનો એહસાસ કર્યો છે
મેઘરાજાના વહેલા આગમનથી જેમ નદીનાળા છલકાયા છે. તે સાથે જ નદી, તળાવ, ડેમમાં નવા નીર આવ્યાં છે. જિલ્લાના સૌથી મોટા ડેમ ગણાતા મધુબન ડેમમાં 5056 ક્યુસેક પાણીની નવી આવક થઈ છે. 462 ક્યુસેક પાણી દમણગંગા વિયરમાં ડિસ્ચાર્જ કરવામાં આવી રહ્યું છે. જ્યારે ડેમની જળસપાટી 68.30 મીટરે સ્થિર રહી છે. ટૂંકમાં દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લા સહિત સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં વરુણદેવનું વહેલું આગમન થતા ધરતીપુત્રોમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે. અસહ્ય તાપની પીડા સહન કરતા નગરજનોએ પણ ટાઢકનો એહસાસ કર્યો છે.