વલસાડઃ ધરમપુરના વિરવલ ગામે ન્યુ ગુજરાત પેટર્ન વર્ષ 2019-20ના આયોજનમાં 5 લાખના ખર્ચે બનાવવામાં આવેલા ડામર રોડ માત્ર 4 માસમાં જ બિસ્માર બની જતા ગ્રામજનોનો આક્ષેપ છે કે કોન્ટ્રાકટર દ્વારા રોડ બનાવવામાં ગેરરીતિ કરવામાં આવી છે, અને લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. જે બાબતે સ્થાનિકો દ્વારા ધરમપુર મામલતદાર અને ટીડીઓને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે.
ધરમપુર તાલુકાના વિરવલ ગામે ન્યુ ગુજરાત પેટર્ન હેઠળ વર્ષ 2019-20 આયોજનમાં વિરવલ દેસાઈ ફળીયાથી શૈલષ ચંદુભાઈના ઘર તરફ જતો બનેલો માર્ગ જે અંદાજિત રૂપિયા 5 લાખના ખર્ચે બનાવવામાં આવ્યો હતો, જેમાં 500 મીટરનો માર્ગ પ્રથમ વરસાદ પડતાં જ ધોવાઇ ગયો હતો, ત્યારે કોન્ટ્રાકટર દ્વારા કરવામાં આવેલા રોડની કામગીરીનો નમૂનો બહાર આવ્યો હતો.
દેસાઈ ફળીયામાં રહેતા લોકોનો આક્ષેપ છે કે કોન્ટ્રકટર દ્વારા યોગ્ય માલ માટીરીયલ્સનો ઉપયોગ કરાયો નથી, સાથે સાથે વિરવલ ગામે જ એટીવીટી યોજના વર્ષ 2019-2020 આયોજન વિરવલ ગામે ધાકવડ મુખ્ય રસ્તાથી ભીખાભાઈના ઘર તરફ જતો રસ્તો પણ 5 લાખના ખર્ચે બનાવવામાં આવ્યો હતો, આ બંને રોડ લોકડાઉન અગાઉ જ બન્યા હતા, પરંતુ પ્રથમ વરસાદ થતાં જ બંને રોડ ધોવાઇ ગયા હતા. કોન્ટ્રાકટર દ્વારા યોગ્ય માલ માટીરીયલ્સનો ઉપયોગ કરવામાં આવ્યો ના હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે, સ્થાનિકોનું કહેવું છે કે લાખો રૂપિયાનો ખર્ચ કર્યા બાદ પણ લોકો સુધી જે સુવિધા મળવી જોઈએ એ મળી નથી, માત્ર 4 માસ પહેલા બનેલો રોડ પ્રથમ વરસાદે ધોવાઈ જતા રોડ કોન્ટ્રાકટરની પોલ ખુલ્લી પડી ગઈ છે. તેમજ લોકોને હવે આવન જાવનની મુશ્કેલી પડી રહી છે.
નોંધનિય છે કે 5 લાખના આ બંને રોડની કામગીરી રાકેશ આહીર નામના કોઈ કોન્ટ્રકટર દ્વારા બનાવવામાં આવ્યો છે, જે અંગે સોમવારે સ્થાનિકોએ એક આવેદન પત્ર ધરમપુર તાલુકા વિકાસ અધિકારી, મામાલતદારને આપી સમગ્ર રોડ બાબતે તપાસ કરવા માગ કરી છે અને જો તેમ ન થાય તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ સ્થાનીકોએ ઉચ્ચારી છે.