- 8 વિધાનસભા બેઠક પર 3 નવેમ્બરના રોજ યોજાશે પેટાચૂંટણી
- કપરાડા વિધાનસભા બેઠકમાં 68 જેટલા મતદાન મથકો વધશે
- મતદાન મથકો પર કરવામાં આવશે સોશિયલ ડિસ્ટન્સનું પાલન
વલસાડ: સમગ્ર ગુજરાતમાં આઠ બેઠક પર પેટા ચૂંટણી યોજાવા જઇ રહી છે. જે માટેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જોકે, આ વખતે કોરોનાની મહામારીને લઈને સંક્રમણ ન ફેલાય તે માટે મતદાન મથકોની સંખ્યા વધારવામાં આવી છે. જેમાં આ વખતે કપરાડા વિધાનસભા બેઠકમાં 68 જેટલા મતદાન મથકો વધી જશે. જેને લઇને કુલ મતદાન મથકોની સંખ્યા 374 ઉપર પહોંચશે.
આ ચૂંટણીને લઇને વહીવટી તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. કપરાડા વિધાનસભા બેઠકમાં મતદારોની સંખ્યા 245743 ની પહોંચી છે. જેમાં 80 વર્ષથી વધુ ઉંમરના 4320 તેમજ 593 જેટલા મતદારો દિવ્યાંગ હોવાનું નોંધાયું છે. કપરાડા વિધાનસભા બેઠકમાં કુલ 162 જેટલા ગામોનો સમાવેશ થાય છે. જેમાં કપરાડા તાલુકાના 128 ગામ પારડી તાલુકાના 21 ગામ અને વાપી તાલુકાના કુલ 13 ગામોનો સમાવેશ થાય છે. હાલમાં કોરોનાની બીમારીનું સંક્રમણ ન ફેલાય તે માટે વિશેષ નિયમો અનુસાર ચૂંટણી યોજવા માટે વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. જેના કારણે કપરાડામાં અગાઉ મતદાન મથકોની સંખ્યા 306 હતી, જે હવે વધીને 374 ઉપર પહોંચી છે. આ વખતે કોવિડ-19 ની બીમારીને કારણે 68 જેટલા મતદાન મથકો વધારવામાં આવ્યા છે. જેમાં કપરાડા તાલુકામાં કુલ 223 મતદાન મથકો અગાઉ હતા. જેમાં 40 જેટલા મતદાન મથકો ઉમેરાયા છે. એટલે કે, કુલ મતદાન મથકોની સંખ્યા કપરાડામાં 263 ઉપર પહોંચી છે. જ્યારે પારડી તાલુકામાં અગાઉ 51 જેટલા મતદાન મથકો હતા. જ્યારે કોવિડ-19ને કારણે હાલ 18 જેટલા મતદાન મથકોની સંખ્યા વધારવામાં આવી છે. એટલે કુલ આંકડો 69 ઉપર પહોંચ્યો છે.
જ્યારે વાપી તાલુકામાં અગાઉ કુલ 32 જેટલા મતદાન મથકો હતા. જેમાં કોવિડ -19 ને કારણે 10 જેટલા મતદાન મથકો બનાવવામાં આવ્યા છે. હાલ કુલ સંખ્યા વાપી તાલુકામાં કુલ 42 મતદાન મથકો ઉપર પહોંચી છે. ત્રણે તાલુકાની વાત કરીએ તો મતદાન મથકોની સંખ્યા 374 ઉપર પહોંચી છે.
મહત્વનું છે કે, મતદાન કરવા આવનાર મતદારોને પણ સંક્રમણ ન ફેલાય તે માટે વિવિધ નિયમોનું પાલન કરવાનું રહેશે. જે માટે વહીવટીતંત્ર દ્વારા અગાઉથી જ મતદારોને પણ તમામ જાણકારીઓ વિવિધ માધ્યમો દ્વારા પહોંચતી કરવામાં આવી રહી છે.