- દાદર -કેવડિયા ટ્રેન વલસાડ પહોચતા સ્વાગત કરાયું
- નવી ટ્રેનમાં વલસાડથી કુલ 50 પ્રવાસીનું હતું બુકીંગ
- રેલવે ARM અને વલસાડની સામાજિક સંસ્થા દ્વારા ટ્રેનના કરાયા વધામણાં
વલસાડ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના વિવિધ વિસ્તારમાંથી કેવડિયા માટે નવી 8 ટ્રેનોની શરૂઆત કરી છે. જેને પગલે કેવડિયા કોલોનીમાં આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી જનારા પ્રવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે ત્યારે મુંબઇના દાદર થી કેવડીયા સુધી શરૂ થયેલી નવી ટ્રેન બપોરે પોણા બે વાગે વલસાડ સ્ટેશન ઉપર આવી પહોંચતા વલસાડ રેલવે ARM તેમજ વલસાડની સામાજિક સંસ્થાઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
નવી ટ્રેનમાં જવા માટે 50 લોકોએ ટિકિટ બુકિંગ કર્યું
દાદરથી કેવડીયા માટે શરૂ થયેલી નવી ટ્રેન વલસાડ આવી પહોંચી હતી. વલસાડ આવ્યા બાદ તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્યારે આ ટ્રેનમાં પ્રવાસી કરવા માટે 50 જેટલા લોકોએ અગાઉથી બુકીંગ કરાવ્યું હતું. જોકે, કેટલાંક કારણોસર 50 પૈકી માત્ર 41 પ્રવાસીઓએ આ નવી ટ્રેનમાં પ્રવાસ કરવા માટે સ્ટેશન સુધી પહોંચ્યા હતા. જ્યારે ટ્રેનમાં પ્રવાસી કરવા માટે પ્રવાસીઓ ખૂબ જ ઉત્સાહિત જોવા મળ્યા હતા.
દાદર કેવડીયા ટ્રેનના નવા કોચ પ્રવાસીઓની સુરક્ષા માટે CCTVથી સજ્જ
નવી શરૂ થયેલી દાદર કેવડિયા ટ્રેનમાં પ્રવાસીઓની સુરક્ષાને લઇને નવી ટ્રેનના નવા કોચમાં CCTV સુવિધાઓ સજ્જ કરવામાં આવી છે. એટલે કે, જ્યારે પણ કોઈ ઘટના બને તો એવા સમયે આ CCTV પ્રવાસીઓની સુરક્ષાને લઈને ખૂબ જ ઉપયોગી નીવડી શકે છે. આમ શરૂ થયેલી દાદર કેવડીયા એક્સપ્રેસ ટ્રેન વલસાડ સ્ટેશને આવી પહોંચતા તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ નવી ટ્રેનમાં 41 જેટલા પ્રવાસીઓએ પ્રથમવાર પ્રવાસની મોજ માણી હતી.