વાપી: રસ્તાઓ પર રખડતા પશુઓનો ત્રાસને કારણે અનેક મોટા અકસ્માતો સર્જાતા હોય છે. જો કે, કોઈપણ શહેર હોય રખડતા પશુઓનો ત્રાસ આખું વર્ષ વર્તાતો જ હોય છે. આ માટે પશુ માલિકો મુખ્ય જવાબદાર હોવા છતાં તંત્ર તેની સામે કોઈ ઠોસ કાર્યવાહી કરી શકતું નથી. વાપીમાં પણ આવા રખડતા પશુઓના ત્રાસથી છુટકારો મેળવવામાં પાલિકાને પશુદીઠ 11 હજાર લેખે કુલ 10.23 લાખનો ફટકો વાગ્યો છે.
વાપી શહેરમાં આખું વર્ષ રખડતા પશુઓનો ત્રાસ વર્તાતો આવ્યો છે. ગાય જેવા પશુઓ રસ્તાઓ પર અડિંગો જમાવી દેતા હોવાથી અવારનવાર અકસ્માતો પણ થતા આવ્યાં છે. આ માટે જવાબદાર પશુ માલિકો છે. આ પશુમાલિકો જ્યાં સુધી પશુ દૂધ આપે ત્યાં સુધી સાચવે છે અને જેવું દૂધ આપવાનું બંધ કરે એટલે એને રસ્તે રખડવા છોડી મૂકે છે. જેની સામે મૂળ પશુ માલિકને શોધી શકાતો નથી. એટલે તેની સામે કોઈ કાર્યવાહી કરી શકાતી નથી. પરંતુ આવા રખડતા પશુઓને તે બાદ પાંજરાપોળમાં મુકવાનું કામ નગરપાલિકાએ કરવું પડે છે અને તેના નિભાવ પેટે પશુદીઠ 11,000 રૂપિયાનું ચુકવણું કરવું પડે છે.
વાપી નગરપાલિકા પ્રમુખ વિઠ્ઠલ પટેલના જણાવ્યા મુજબ એક મહીનામાં 93 પશુઓને પકડી પાલિકાએ પાંજરાપોળમાં મુક્યા છે. જેમાં પાલિકાને 10.23 લાખનો આવા પશુઓનો નિભાવ ખર્ચ કરવો પડ્યો છે. ત્યારે, પશુ માલિકો આ અંગે જાગૃત થાય અને પશુઓને રસ્તા પર ના છોડે તેવી અપીલ કરી હતી. પ્રમુખના જણાવ્યા મુજબ હાલમાં પશુઓ કે પશુ માલિકોને આઇડેન્ટિફાઈ કરી શકતી કોઈ સિસ્ટમ નથી એટલે દંડનીય કાર્યવાહી કરી નથી શકતા પરંતુ વધતા જતા આ ત્રાસમાંથી અને ખર્ચના છુટકારાથી રાહત મેળવવા આગામી દિવસોમા પશુઓનું અને પશુ માલિકનું આઇડેન્ટિફાઇડ થાય તેવી ટેગ સિસ્ટમ ઉભી કરવી જરૂરી છે.
ઉલ્લેખનીય છે કે, રસ્તા પર અડિંગો જમાવી બેસી જતા આવા પશુઓને કારણે અનેક વાર ગમખ્વાર અકસ્માતો થતા હોય છે. જેમાં લોકોના જીવ ગયા છે. ત્યારે દુધના પૈસા ગજવે સેરવી પશુને નધણીયાતું મુકતા માલધારીઓ અને પશુપ્રેમી સંસ્થાઓ જાગૃત નહિ બને તો આ સમસ્યાનો ક્યારેય ઉકેલ નહિ આવે. ગાય સહિતના પશુઓ વાહન અડફેટે પોતે મોતને ભેટશે ને બીજાને પણ હાની પહોચાડતા રહેશે.