- શ્રીજીને પ્રિય છે દુર્વા
- પેટની અગનજવાળા શાંત કરવા શ્રીજીએ કર્યું હતું સેવન
- અમૃત કળશમાંથી ઢોળાયેલ અમૃતમાંથી ઉત્પન્ન થઇ છે દુર્વા
વાપી: ગણેશપૂજા દરમિયાન દુર્વા નામના વિશેષ ઘાસની કૂંપણનું ખુબજ મહત્વ છે. શરીર માટે અત્યંત ગુણકારી મનાતી આ દુર્વા અંગે વાપીના સિદ્ધનાથ મહાદેવના પૂજારી શાસ્ત્રી મનોજકુમાર ભટ્ટે મહત્વની વિગતો આપી હતી. શાસ્ત્રી મનોજ કુમાર ભટ્ટે ETV BHARAT સાથે વાત કરતા જણાવ્યું હતું કે, દુર્વા દક્ષિણ ગુજરાતમાં દરોઇના નામથી પ્રચલિત છે, જ્યારે સંસ્કૃતમાં તેને દુર્વા કહેવામાં આવે છે. આ એક વિશેષ પ્રકારના ઘાસની કૂંપણ છે. જેના મહત્વ માટે વિશેષ શ્લોક છે.
આ મંત્ર બોલી ગણેશજીને દુર્વા અર્પણ કરવામાં આવે છે
દુર્વાનો મંત્ર
ૐ કાંડાત કાંડાત પ્રરોહંતીપરૂખ:, પરૂખસ્પરિ એવાનો દુર્વેપ્રતનું સહસ્ત્રેણ શતેન ચ.
પુરાણોક
વિષ્ણુવાદિ સર્વ દેવાના દુર્વાવે પ્રીતિદા સદા, વંશ વૃદ્ધિ કરી નિત્ય ગણેશ અર્પયામ્બ,
ૐ ભુર્ભુવ: સ્વ: સિ. બુ.સ.મહા.ન. સમર્પયામી.
અનંતસુરના આતંકમાંથી મુક્ત કરવા ઋષિમુનિઓએ કર્યું તપ
પ્રાચીન કથા મુજબ અનંતસુર નામનો રાક્ષસ હતો. જેનો ત્રણેય લોકમાં આતંક હતો. આ રાક્ષસ ઋષિમુનિઓને અને મનુષ્યોને ગળી જતો હતો. એટલે તેના ત્રાસમાંથી મુક્તિ અપાવવા ઋષિમુનિઓએ એકત્ર થઈ ભગવાન મહાદેવને પ્રસન્ન કરવા તપ કર્યું. તપ દ્વારા ભગવાન મહાદેવ પ્રસન્ન થયા અને તેનો ઉપાય ગણેશજી પાસે હોવાનું જણાવ્યું.
ગણેશજી રાક્ષસને ગળી ગયા એટલે પેટમાં અગનજવાળા વ્યાપી
ઋષિમુનિઓએ તપ કરી ગણેશજીને પ્રસન્ન કર્યા અને અનંતસુરના આતંકને નષ્ટ કરવા આજીજી કરી ગણેશજીએ અનંતસુરનો નાશ કરવા તેની સાથે યુદ્ધ કર્યું અને રાક્ષસને ગળી ગયા, જેનાથી તેના ઉદરમાં અસહ્ય અગનજ્વાળા ઉઠી જેને ઠંડી કરવા ઋષિ મુનિઓએ 21 દુર્વાની ગાંઠ બનાવી શ્રીજીને અર્પણ કરી. જે ખાવાથી શ્રીજીના પેટમાં થતી જલન શાંત થઈ ત્યારથી શ્રીજીને મોદક, સિંદૂર ઉપરાંત દુર્વા પણ અતિપ્રિય છે.
સનાતન ધર્મમાં શ્રીજીને દુર્વા અર્પણ કરવા વિશેષ મંત્ર-શ્લોક રચવામાં આવ્યા છે
શાસ્ત્રી મનોજકુમાર ભટ્ટે દુર્વાની ઉત્પત્તિ અંગે જણાવ્યું હતું કે, સમુદ્ર મંથન વખતે જે અમૃત કળશ નીકળ્યો, તે અમૃત કળશમાંથી થોડુંક અમૃત ઢોળાયું હતું. જેમાંથી દુર્વાની ઉત્પત્તિ થઈ છે. સનાતન ધર્મમાં એટલે જ ગણેશજીની પૂજા અર્ચના દરમિયાન જેમ તેમને પ્રિય મોદક અને સિંદૂર અર્પણ કરાય છે. તેની સાથે દુર્વા પણ અચૂક અર્પણ કરવામાં આવે છે.
શ્રીજીને દુર્વા અર્પણ કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે
દુર્વા નામના આ વિશેષ ઘાસના પર્ણને દક્ષિણ ગુજરાતમાં દરોઇ કહેવાય છે. આ વિસ્તાર પુષ્કળ વનરાજી ધરાવતો અને મબલખ વરસાદ મેળવતો વિસ્તાર હોવાથી પુષ્કળ પ્રમાણમાં ઉગે છે. આ ઘાસના આગળની ત્રણ કોમળ કૂંપણ અથવા પર્ણને જ દુર્વા કહેવામાં આવે છે અને તે જ ગણેશજીને અર્પણ કરવામાં આવે છે. જે અર્પણ કરવાથી ભક્તોને વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. એટલે આ ગણેશ ચતુર્થીએ તમે પણ શ્રીજીને મોદક અર્પણ કરવા સાથે જો શક્ય હોય તો દુર્વા પણ અર્પણ કરી પૂજા અર્ચના કરજો.