વાપીઃ મહારાષ્ટ્રના જલગાંવના પિંપરીપંચમ ગામે રહેતી પ્રતિક્ષાના લગ્ન 27 ફેબ્રુઆરી 2020ના રોજ વાપી ખોડિયાર નગરમાં રહેતા ચંદન ઉર્ફે ચેતન સુભાષ પાટીલ સાથે થયા હતા. લગ્ન બાદ પ્રતિક્ષા વાપી આવી હતી. પ્રતિક્ષાને સાસુ, જેઠ અને જેઠાણી અવારનવાર ત્રાસ આપતા હતા. તેમજ પતિ પણ બીજી સ્ત્રી સાથે સંબંધ રાખતો હોવાથી તે ફોન પર પરિજનોને પરત ગામે લઇ જવા જણાવતી હતી. પરંતુ લોકડાઉન હોવાથી તે ખુલ્લે પછી તેને આવીને લઇ જઇશું તેમ પિતાએ આશ્વાસન આપ્યું હતું.
2 મેની રાત્રિએ પ્રતિક્ષાએ પિતાને કોલ કરી ડરીને જણાવ્યું કે તેને તાત્કાલિક વાપીથી પરત ગામ લઇ જાઓ. જો કે બીજા દિવસે સવારે પિતાને સાસરિયા પક્ષથી જાણવા મળ્યું કે પ્રતિક્ષાને એટેક આવતા તેનું મોત થયું છે. જેથી તેઓ વાપી આવ્યા હતા અને પુત્રીનો મૃતદેહ જોતા તેને નાક, ગળા અને મોઢામાં ઇજાના નિશાનો જોતા જ હત્યાની શંકા ગઇ હતી.
ડુંગરા પોલીસે પ્રતિક્ષાની મૃતદેહને પેનલ પીએમ માટે સુરત મોકલી વધુ તપાસ હાથ ધરી હતી. જેમાં કોલ્ડ્રીંકમાં ઉંદર મારવાની દવા ઉમેરી, ગળું દબાવી હત્યા કર્યા હોવાનું બહાર આવતા ડુંગરા પોલીસે મૃતકના પિતાની ફરિયાદ લઇ પતિ ચંદન ઉર્ફે ચંદન સુભાષ પાટીલ સહિત અવારનવાર ગરીબ વહુને ત્રાસ આપનારી સાસુ રેખાબાઇ, જેઠ વિવેક અને જેઠાણી સુજાતા સામે ગુનો દાખલ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, મૃતક પ્રતિક્ષાના પિતા વાપી આવ્યા બાદ જમાઇ ચંદનને મળવા હોસ્પિટલમાં ગયા હતા. પુત્રીના મોઢા, નાકમાંથી લોહી નીકળે છે અને તેના નાક, ગાલ અને ગળા ઉપર ઇજાના નિશાન અંગે પૂછતા જમાઇ ચંદને રડતા-રડતા જણાવ્યું કે, તેના મકાનમાં રહેતી ભાડુઆત સ્ત્રી સાથે આડો સંબંધ હતો. તેની જાણ પ્રતિક્ષાને દશેક દિવસ પહેલા થઇ જતા ઝઘડો કરતી હોય તેવુ જાણવા મળ્યું હતું.
પતિએ કોલ્ડ્રીંકમાં ઉંદર મારવાની દવા નાખી પિવડાવી દેતા તે પલંગ ઉપર સુઇ ગઇ હતી. જેની બાજુમાં સુુઇ ગયા બાદ મોડી રાત્રે તેનો હાથ પતિ પર પડતા તરત જ ઉઠી તકીયાથી તેનું મોઢું દબાવીને હત્યા કરી નાખી હતી.