- રેમડેસીવીર ઇન્જેક્શન માટે હવે ફોન નથી આવતાઃ પાટીલ
- ઓક્સિજન માટે ઉદ્યોગકારો આગળ આવ્યા છે: પાટીલ
- ભાજપના કાર્યકરો કોરોનાગ્રસ્ત લોકોની કરી રહ્યા છેે મદદ
વલસાડઃ જિલ્લામાં કોરોના મહામારી દરમિયાન ભાજપ અને સેવાકીય સંસ્થાઓ દ્વારા ચાલતી સેવાકીય પ્રવૃત્તિ અને કોવિડ સેન્ટરની ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે મુલાકાત લીધી હતી. આ તકે પાટીલે જણાવ્યું હતું કે, ગુજરાત સહિત દેશમાં રેમડેસીવીર ઇન્જેક્શન અને ઓક્સિજન અંગે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર મદદ કરી રહી છે. ઉદ્યોગકારો પણ મદદ માટે આગળ આવ્યાં છે.
સી. આર. પાટીલે વલસાડ અને વાપીના કોવિડ સેન્ટરની લીધી મુલાકાત
જિલ્લામાં ભાજપના કાર્યકરો, સમાજના આગેવાનો, સમાજસેવી સંસ્થાઓ અને ઉદ્યોગકારો કોરોના કાળમાં લોકોને મદદરૂપ થવા આગળ આવ્યાં છે. જેની સેવાકીય પ્રવૃત્તિઓને પ્રોત્સાહન પૂરું પાડવા ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ રવિવારે વલસાડ અને વાપીના કોવિડ સેન્ટરની મુલાકાતે આવ્યા હતાં. આ તકે સી. આર. પાટીલે મીડિયાને સંબોધન કરતા જણાવ્યું હતું કે, કોરોના મહામારીમાં રેમડેસીવીર ઇન્જેક્શન, ઓક્સિજન માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર મદદ કરી રહી છે. લોકો, ઉદ્યોગકારો પણ ઓક્સિજન માટે આગળ આવ્યાં છે. હાલમાં ગુજરાતમાં ઓક્સિજનની જરૂરિયાત પૂરી થઈ છે. રેમડેસીવીર માટે હવે કોઈના ફોન નથી આવતા.
રેમડેસીવીર ઇન્જેક્શનની કાળાબજારી પર રોક
પાટીલે વધુમાં જણાવ્યું હતું કે, રેમડેસીવીર માટે દરેક સરકારી હોસ્પિટલમાં ખાસ વ્યવસ્થા ઉભી કરી છે. કાળાબજારી પર અંકુશ મેળવવા સરકાર પૂરતા પગલાં લઈ કાયદાકીય કાર્યવાહી પણ કરી રહી છે. ભાજપના કાર્યકરો પણ કોરોનાને હરાવવા કોરોનાગ્રસ્ત લોકોની મદદ કરી રહ્યા છે.
કોવિડ સેન્ટરની મુલાકાત લઈ તબીબો સાથે કરી ચર્ચા
વાપી સહિતના અન્ય કેટલાય વિસ્તારોમાં સરકાર સાથે અન્ય સેવાકીય સંસ્થાઓ, ઉદ્યોગકારોના સહયોગથી કોવિડ સેન્ટરો ઉભા કર્યા છે. જેની વ્યવસ્થાને જોવા અને તેમને પ્રોત્સાહન પૂરું પાડવા માટે વલસાડ-વાપીની મુલાકાતે આવેલા સી. આર. પાટીલે વાપીની હરિયા રોફેલ કોવિડ સેન્ટર, હરિયા હોસ્પિટલ, પટેલ સમાજવાડી આઇસોલેશન સેન્ટર, ESIC કોવિડ સેન્ટરની મુલાકાત લઈ સમાજના આગેવાનો, તબીબોને અભિનંદન આપી તેમની સાથે કોરોના મહામારી અંગે કેસમાં થઈ રહેલા વધારો, દર્દીઓને આપવામાં આવતી સારવાર અંગેની વિગતો મેળવી હતી.