વલસાડઃ કપરાડા APMC માર્કેટમાં છેલ્લા બે દિવસથી હાફૂસ અને અથાણા માટે ઉપયોગમાં આવતી રાજપુરી કેરીએ દેખા દીધી છે. વળી પ્રથમ ભાવ પણ 20 કિલોના 500થી 700 રૂપિયા બોલાતા ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી હતી.
વલસાડી હાફૂસે સમગ્ર વિશ્વમાં તેના મીઠા મધુરા સ્વાદ માટે જાણીતી છે. એટલું જ નહિ સમગ્ર ભારત ભરથી વેપારીઓ ખરીદી કરવા માટે વલસાડ સુધી આવે છે. હાલે લોકડાઉનની સ્થિતિ ઉદભવી છે, ત્યારે ખેડૂતોને ચિંતાના વાદળો ઘેરાયા હતા કે, કેરીના પાકનું શુ થશે વળતર મળશે કે નહીં. પરંતુ છેલ્લા બે દિવસથી કપરાડા તાલુકામાં આવેલી APMC માર્કેટમાં ફળોના રાજા કેરીનું આગમન જોવા મળ્યું છે અને પ્રથમ દિવસથી જ કેરીના ભાવ 500થી 700 રૂપિયા 20 કિલોના બોલાતા ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.
APMC માર્કેટ નાનાપોઢા ખાતે હાફૂસનો ભાવ 20 કિલોના 500થી 700 રૂપિયા જ્યારે અથાણા માટે ઉપયોગમાં આવતી રાજપુરી કેરીનો ભાવ 20 કિલોના 800 રૂપિયા જેટલો બોલાઈ રહ્યો છે. આમ લોકડાઉનમાં પણ સ્વાદ રસિયાઓ માટે કેરીનું આગમન માર્કેટ સુધી થયું છે.
વલસાડ જિલ્લામાં 3000 હેકટરમાં આંબાવાડીનો પાક છે. આ વર્ષે હવામાનની અસર કમોસમી વરસાદ સાહિત્ય હોવા છતાં પાક મહદઅંશે ઓછો છે અને ઉપરથી લોકડાઉન હોય, ત્યારે માર્કેટમાં આવેલી કેરીને લેવા લોકો ચોક્કસ પડાપડી કરશે એ વાત નક્કી છે. જેના થકી ખેડૂતોને ફાયદો થશે.