- બજેટમાં ફાર્મા ઉદ્યોગમાં પણ રાહત મળે તેવી અપેક્ષા
- નવા સુધારા સાથે સ્કીમ અમલમાં મૂકે
- ચીન સામે મુકાબલો કરવા પ્રોત્સાહન મળે
વાપી : સરીગામ GIDC જેમ કેમિકલ માટે અગ્રણી ઔદ્યોગિક વસાહત છે. તેવી જ રીતે વાપી-સરીગામ, દમણ, દાદરા નગર હવેલી ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે પણ આગવી ઓળખ ધરાવે છે. કોરોના કાળમાં ફાર્મા ઇન્ડસ્ટ્રીને સરકારે કેટલીક મહત્વની સવલતો પુરી પાડી હતી. આગામી બજેટમાં પણ સરકાર ચીન સામે મુકાબલો કરવા જૂની જાહેરાતોમાં સુધારો, R&D, ઇનોવેશન, ટેક્ષમાં વધુ બેનિફિટ આપે તેવી આશા સેવી છે.
આગામી કેન્દ્રીય બજેટ 2021/22 માં દરેક ઉદ્યોગકારો મોટી આશા સેવી રહ્યા છે. ત્યારે બજેટ પહેલા જ કોરોના કાળમાં સારી એવી સવલતો મેળવનાર ફાર્મા ઇન્ટરમીડિયેટ ઉદ્યોગના ઉદ્યોગકારો પણ તેમાં પાછળ નથી. ફાર્મા ઈન્ડસ્ટ્રીના ઉદ્યોગકારોએ આ અંગે જણાવ્યું હતું કે, ફાર્મા ઇન્ડસ્ટ્રીઝમાં સરકારનું જે માળખું છે. જે નિયમો છે તે હાલની પરિસ્થિતિ ને અનુકૂળ છે. સરકારે GST, ડોમેસ્ટીક ટેક્ષ, એક્સપોર્ટમાં રાહત આપી છે.
નવી-જૂની સ્કીમ હેઠળ સુધારો કરવામાં આવે
પરંતુ રો-મટિરિયલમાં ભારત ચીન સાથે સ્પર્ધા કરી શકે તેમ નથી. સરકારે MEIS (merchandise export from India's scheme) લોંચ કરી હતી. જેમાં ઇન્ટેનસીવ મળતું હતું તે બંધ કરી નવી રિવાઇઝ સ્કીમ અમલમાં લાવવાની તૈયારી કરી છે. જે ફાર્મા ઉદ્યોગકારો માટે વધુ મુશ્કેલ બનશે. આ બજેટમાં આ સ્કીમ હેઠળ સુધારો કરી ઇન્ટેનસીવ આપવામાં આવે.
કોવિડ સમયે મહત્વની સુવિધા પૂરી પાડી
ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝને સરકારે કોવિડ સમયે મહત્વની સવલતો પ્રદાન કરી હતી હતી. ચીન સામે સ્પર્ધા કરવા આત્મ નિર્ભર અભિયાનને મહત્વનું ગણાવ્યું હતુ. ત્યારે જૂની સ્કીમમાં સુધારો કરવામાં આવે, ટેક્ષમાં વધુ રાહત આપવામાં આવે, R&D, ઇનોવેશન માટે પૂરતો સ્કોપ આપતી જાહેરાત કરવામા આવશે તો, આ બજેટ ફાર્મા ઉદ્યોગકારો માટે ખૂબ જ આવકારદાયક રહેશે.
બજેટમાં આશા અપેક્ષા
ઉલ્લેખનીય છે કે, કોવિડ કાળ દરમ્યાન ફાર્મા સ્યુટિકલ ઉદ્યોગ જ એક એવો ઉદ્યોગ હતો. જેણે દેશના અર્થતંત્રને ડામાડોળ થતું બચાવ્યું હતું. ત્યારે બજેટમાં ફાર્મા ઉદ્યોગકારોની આશા-અપેક્ષાઓ પર નાણાપ્રધાન નિર્મલા સીતારામન ખરા ઉતરે છે કે, કેમ તે તો 1લી ફેબ્રુઆરીએ કેન્દ્રીય બજેટ પ્રસ્તુત કરશે ત્યારે જ જાણવા મળશે.