વલસાડઃ સામાન્ય રીતે નાનપણથી બાળકોને અનેક ખેલ પ્રત્યે રૂચિ હોય છે પરંતુ, ધરમપુર અને કપરાડા જેવા અંતરિયાળ અને આદિવાસી વિસ્તારમાં બાળકોમાં પ્રતિભા રહેલી છે, પરંતુ તેને વિકસાવવા માટે શિક્ષકો મહત્વનો ભાગ ભજવતા હોય છે. એવી જ રીતે ધરમપુરના આવધા ગામે દડવી ફળિયામાં રહેતા રમેશભાઇ પવારની પુત્રી પલ્લવીબેન જેવો ધોરણ 8માં અભ્યાસ કરે છે. તેણે યોગાસનમાં મહારથ હાંસલ કર્યું છે. સામાન્ય લોકો માટે ખૂબ જ અઘરા કહી શકાય એવા આસનો આ કિશોરી માત્ર ચપટી વગાડતા જ કરી બતાવે છે.
એટલું જ નહીં, ખેલ મહાકુંભમાં તાલુકા કક્ષાએ પ્રથમ જિલ્લા કક્ષાએ દ્વિતીય અને રાજ્ય કક્ષાના ખેલ મહાકુંભમાં જે ગત તારીખ 13-11-2019ના રોજ ભાવનગરના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે યોજાયો હતો અને જેમાં 60થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો, તેમાં પણ વલસાડ જિલ્લાનું પલ્લવીએ પ્રતિનિધિત્વ કર્યું હતું અને ત્યાં પણ કુશળ દેખાવ કર્યો હતો મહત્વનું છે કે, પલ્લવી યોગમાં સૌથી અઘરા કહી શકાય એવા અનેક આસનો આસાનીથી કરી રહી છે અને તે પોતે જ નહીં તેની સાથે સાથે સ્કૂલમાં અભ્યાસ કરતા અન્ય 25 જેટલા બાળકોને પણ તે પ્રશિક્ષિત કરી રહી છે. તેની આ કળા જોઈને અનેક લોકો પ્રભાવિત થયા છે અને સૌથી નાની વયની યોગ ટીચર તરીકે તેને લોકો ઓળખાવી રહ્યા છે.
મહત્વનું છે કે 26મી જાન્યુઆરીના રોજ વહીવટીતંત્ર દ્વારા જિલ્લા કક્ષાએ યોજાતા ધ્વજવંદન કાર્યક્રમમાં વિવિધ ખેલ કૂદ અને દરેક ક્ષેત્રમાં પોતાની ઉજજવળ પ્રતિભા પાથરનારા અનેક વિરલ વ્યક્તિત્વનું સન્માન કરવામાં આવે છે તો શું આ આદિવાસી કન્યાને સન્માનિત ન કરવી જોઈએ, ધરમપુર જેવા અંતરિયાળ વિસ્તારના આવતા ગામમાં રહેતી આદિવાસી કન્યાને પ્રોત્સાહિત કરવામાં આવે તો તેને જોઈને અન્ય બાળકોને પણ શીખ મળે એમ છે અને તેઓ પણ યોગાસનમાં પોતાની પ્રતિભા દર્શાવી શકે છે પરંતુ આવી ઉમદા પ્રતિભા ધરાવતા બાળકોને વહીવટીતંત્ર જોતું સુદ્ધાં નથી અને માત્ર શહેરી વિસ્તારમાં ગણ્યાગાંઠ્યા લોકો ને પ્રમાણપત્રો અને sealed આપીને તસવીરો ખેંચાવી માત્ર રીત પૂરી કરવામાં આવતી હોવાનું જણાય છે પરંતુ હકીકતમાં આવી પ્રતિભાઓને સન્માનિત કરવી એ ખૂબ જરૂરી છે અને આ બાબતે સાંસદ કે ધારાસભ્ય પણ રસ દાખવવો જોઇએ પરંતુ તેમ થતું નથી અને આવી પ્રતિભાઓ માત્ર ગામડા સુધી જ સીમિત રહી જાય છે
નોંધનીય છે કે પલ્લવી ને છેલ્લા ત્રણ વર્ષથી યોગાના માર્ગદર્શક શિક્ષક સુનિલ ભાઈ પટેલ દ્વારા યોગ્ય માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે તો સાથે સાથે ખેલ મહાકુંભમાં આ વર્ષે તેમના દ્વારા જિલ્લા પંચાયતની શાળામાંથી નહીં પરંતુ ઓપન કેટેગરીમાં રહી ભાગ લેવામાં આવ્યો હતો અને તેમાં પણ તેણે દ્વિતીય સ્થાન મેળવ્યું હતું આ સમગ્ર બાબતે શાળાના આચાર્ય પાયલબેન પટેલે જણાવ્યું કે તેમને ગર્વ છે કે આદિવાસી વિસ્તારમાં તેમની શાળામાં આવી પ્રતિભા છુપાયેલી છે અને તે જિલ્લા કક્ષાએ જ નહીં પરંતુ રાજ્ય કક્ષા સુધી પહોંચી શાળાનું નામ રોશન કર્યું છે આગામી દિવસમાં પલ્લવી શાળાના અન્ય 25 બાળકોને પણ પ્રશિક્ષિત કરી રહી છે અને તેઓ પણ યોગ સ્પર્ધામાં ભાગ લેશે આમ સૌથી નાની ઉંમરની યોગ ટીચર તરીકે પલ્લવી ગ્રામીણ કક્ષાએ લોકોનું ધ્યાન આકર્ષિત કરી રહી છે પરંતુ વહીવટી તંત્ર તેને સન્માનિત કરવામાં ઉણું ઉતરી રહ્યું હોવાનું જણાય છે.