- ઉમરગામ તાલુકામાં 119 રસ્તાઓનું મુહૂર્ત-લોકાર્પણ
- ડેહલી ગામે પ્રાથમિક શાળાને 3 નવા ઓરડા મળ્યા
- સતલુજ કંપનીએ 24 લાખના ખર્ચે ઓરડા બનાવી આપ્યા
ડેહલી: ઉમરગામ તાલુકાના ડેહલી ગામે આવેલા 71 વર્ષ જૂની પ્રાથમિક શાળામાં નવા બનેલા 3 ઓરડાનું અને તાલુકાના 119 રસ્તાના નવીનીકરણનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. વલસાડ જિલ્લામાં આગામી દિવસોમાં જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણી આવવાની હોવાથી લોકો ફરી ભાજપને સત્તા આપે તે માટે આ તમામ વિકાસના કામોનું લોકાર્પણ અને મુહૂર્ત કરવામાં આવ્યું હોવાનું વન અને આદિજાતિ રાજ્યપ્રધાન રમણલાલ પાટકરે જણાવ્યું હતું.
ઉદ્યોગોના સહકાર સામે ગામલોકો પણ સહકાર આપે
ઉમરગામ તાલુકામાં કુલ 160 કિલોમીટર જેટલી લાબાઈ ધરાવતા 119 રસ્તાઓનું વન અને આદિજાતિ રાજ્યપ્રધાન રમણલાલ પાટકરના હસ્તે લોકાર્પણ અને મુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ સાથે જ ડેહલી ગામે 1949માં બનેલી શાળાના જર્જરિત ઓરડાના સ્થાને સતલુજ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ લિમિટેડ કંપનીએ 24 લાખના ખર્ચે 3 પાકા ઓરડા બનાવી આપ્યા હોવાથી તેનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે પાટકરે કંપનીઓ દ્વારા ગામના વિકાસમાં સહયોગ આપવામાં આવતો હોવાથી આવા ઉદ્યોગોને ગામલોકોએ પણ સહકાર આપવો જોઈએ તેવી ટકોર કરી હતી.
ચૂંટણી આવતી હોવાથી વિકાસના કામોની મૌસમ ખીલી
પાટકરે વિકાસના કામોના લોકાર્પણ અને મુહૂર્ત અંગે જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં વલસાડ જિલ્લામાં જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી આવી રહી છે, ત્યારે ભાજપ સરકારે કરેલા વિકાસની વાત લોકો સુધી પહોંચે તે માટે હાલમાં તમામ મુખ્ય માર્ગો, આરોગ્ય કેન્દ્રો અને શાળાઓના નવીનીકરણની જે કામગીરી કરવામાં આવી છે, તે લોકોના ધ્યાને આવે તે માટે લોકાર્પણ અને મુહૂર્તના કાર્યક્રમો હાથ ધર્યા છે.
24 લાખના ખર્ચે અદ્યતન ઓરડાની ભેટ
આ કાર્યક્રમમાં શાળાને અદ્યતન ઓરડા, બેન્ચ, પંખા, વીજળીની સુવિધા પૂરી પાડનાર સતલુજ ટેકસ્ટાઈલ્સ ઇન્ડસ્ટ્રીઝના યુનિટ હેડ પ્રદીપ શર્માએ જણાવ્યું હતું કે, ગામમાં સ્કૂલ ઓરડા અને પંચાયત ભવન માટે કંપની તરફથી મદદરૂપ થયા છીંએ. જર્જરીત ઓરડાના સ્થાને બાળકોને નવા ઓરડામાં શિક્ષણ મળશે જે એક સેવાનું કામ હતું અને સેવાની એ તક ઝડપી છે. આગામી દિવસોમાં પણ ગામની જે જરૂરિયાત હશે તેમાં મદદરૂપ થશું.
પંચાયત ભવનના નિર્માણમાં સહયોગ આપનાર દાતાઓનું સન્માન કર્યું
મુખ્ય માર્ગોના, શાળાના ઓરડાના લોકાર્પણ-મુહૂર્ત પ્રસંગે ગામના સરપંચ, ઉપસરપંચ, સભ્યો, તાલુકાના પદાધિકારીઓ, pwdના અધિકારીઓ, શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ, ગામલોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ગામના નવા પંચાયત ભવનમાં સહયોગ આપનારા દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.