- કોરોના કાળમાં TBના દર્દીઓ ઘટ્યા
- લોકોએ રાખેલી સાવચેતીને પગલે TBના દર્દીમાં ઘટાડો
- વલસાડ જિલ્લામાં 41 ટકા કેસ ઘટ્યા
વલસાડ: એક સમયે રાજરોગ ગણાતો TB આજે પણ ભારતમાંથી નિર્મૂળ થયો નથી, પરંતુ કોરોના કાળના વર્ષ 2020માં વલસાડ જિલ્લા સહિત સમગ્ર ભારતભરમાં 30 ટકાથી 41 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. લોકોએ રાખેલું સામાજિક અંતર, માસ્ક પહેરવાની સાવચેતી, સ્વચ્છતા જાળવવાની પહેલ પોષક આહાર આ માટે રામબાણ ઈલાજ સાબિત થયા છે.
કોરોના કાળમાં TBના દર્દીઓમાં ઘટાડો નોંધાયો
વલસાડ જિલ્લા સહિત સમગ્ર ભારતમાં કોરોના કાળમાં લાખો લોકોના જીવ ગયા છે. ત્યારે આ કોરોના કાળમાં લાખો લોકો રાજરોગ ગણાતા TBથી બચી પણ ગયા છે. વર્ષ 2025 સુધીમાં ભારતમાંથી TBને નિર્મૂળ કરવાનો સંકલ્પ સરકારે લીધો છે. કોરોનાકાળ દરમિયાન વલસાડ જિલ્લામાં 41 ટકા, ગુજરાતમાં 3 ટકા અને ભારતમાં 30 ટકા TBના કેસમાં ઘટાડો નોંધાયો છે. માઈકોબેક્ટેરિયમ ટ્યુબરક્લોસીસ નામના જીવાણુથી TB નામનો જંતુજન્ય ચેપીરોગ થાય છે, એક જમાનામાં તેને રાજરોગ કહેવાતો હતો. આ રોગના દર્દીઓ ઘટે તે માટે સરકાર અને વિવિધ આરોગ્ય સંસ્થાઓ વર્ષોથી કાર્યરત છે. તેમ છતાં હજૂ તેને નિર્મૂળ કરી શક્યા નથી. જોકે, કોરોના કાળમાં TB ના દર્દીઓમાં ઘટાડો નોંધાયો છે. વર્ષ 2019માં વલસાડ જિલ્લામાં 2,946 કેસ ડિટેકટ કર્યા હતાં, જ્યારે વર્ષ 2020માં 2,186 કેસ ડિટેકટ થયા છે.
TBના કેસ ઘટવાના કારણો
TB અંગે વલસાડ જિલ્લા ક્ષય રોગ અધિકારી સી. બી. ચોબીસાએ વિગતો આપી હતી કે, કોરોના કાળમાં લોકોએ સામાજિક અંતર જાળવ્યું, મોઢે માસ્ક પહેંર્યા, સ્વચ્છતા જાળવી જેને કારણે TBના કેસમાં ધરખમ ઘટાડો નોંધાયો છે. 2020માં વલસાડ જિલ્લામાં 41 ટકા, ગુજરાતમાં 39 ટકા અને સમગ્ર ભારતમાં 30 ટકા TBના દર્દીઓ ઘટ્યા છે.
TB શું છે?
TB એ જંતુજન્ય રોગ છે. માઇકોબેક્ટેરિયમ ટ્યુબરકલોસીસ નામના જીવાણું તેના જન્મદાતા છે. આ રોગ ચેપી રોગ છે. જેના સંપર્કમાં આવનાર દર્દીની રોગપ્રતિકારક શક્તિ જો નબળી હોય તો તેને TB લાગુ પડી શકે છે.
કોને થઈ શકે છે TB
TB મોટેભાગે શહેરોની ગીચ વસ્તી ધરાવતા સ્લમ એરિયાના લોકોમાં સૌથી વધુ નોંધાય છે, ઔદ્યોગિક વિસ્તારમાં કામ કરતા કામદારોમાં, પોષણક્ષમ આહાર નહીં લેતા તેમજ HIV, ડાયાબિટીસ જેવા રોગવાળા દર્દીઓને કે જેમના શરીરમાં રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તેને થવાની સંભાવના વધુ હોય છે.
TBના પ્રકાર અને સારવાર
TB મુખ્યત્ત્વે 2 પ્રકારના હોય છે. એક ડ્રગ સેન્સિટિવ TB અને બીજો drug-resistant TB, ડ્રગ સેન્સિટિવ TB ના દર્દીને સાજો કરવા માટે 6 મહિનાની સારવાર અનિવાર્ય છે. જેમાં 4 પ્રકારની દવા આપવામાં આવે છે. જ્યારે drug-resistant TBની ઓછામાં ઓછા 9થી 11 મહિના અને વધુમાં વધુ 18 થી 20 મહિનાની સારવાર અનિવાર્ય છે.
ક્યા TB ના સૌથી વધુ દર્દીઓ જોવા મળે છે
વલસાડ જિલ્લાની વાત કરીએ તો વલસાડ જિલ્લામાં વલસાડ અને વાપી શહેરના સ્લમ વિસ્તારમાં, વાપી, સરીગામ અને ઉમરગામ GIDCની ઔદ્યોગિક વસાહતમાં TBના દર્દીઓનું પ્રમાણ કપરાડા, ધરમપુર તાલુકા કરતા ખુબ જ વધુ છે.
ક્યા TBની સારવાર ઉપલબ્ધ
TBની સારવાર માટે વલસાડ જિલ્લાના 75 CHC, PHC આરોગ્ય કેન્દ્રમાં Diagnosis ટ્રીટમેન્ટ અપાય છે. આ ઉપરાંત વલસાડ નગરપાલિકા હોસ્પિટલ, ભિલાડ CHC અને પારડી CHC પર TRUENAT જિન ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. જેમાં જિન એક્સપર્ટ મેથડથી Diagnosis ટ્રીટમેન્ટ થાય છે. જ્યારે ધરમપુર TB હોસ્પિટલમાં CB-NAAT મશીનથી TBનું નિદાન કરવામાં આવે છે.
સરકાર દ્વારા સહાય
સરકાર દ્વારા જે દર્દીને TB લાગુ પડ્યો હોય તેને નિઃશુલ્ક સારવાર આપવા સાથે દર મહિને પોષણ આહાર માટે 500 રૂપિયા દર્દીના બેન્ક અકાઉન્ટ મારફતે સહાય આપવામાં આવે છે. વર્ષ 2020માં જિલ્લામાં સરકાર દ્વારા ખાસ નિક્ષય યોજના હેઠળ પબ્લિક અને પ્રાઇવેટ સેકટર મળીને કુલ 39,24,000 રૂપિયા જમા કરવામાં આવ્યા હતા. નિક્ષય યોજના હેઠળ સ્થળાંતર થતા દર્દીઓની પણ નોંધણી કરી જે તે સ્થળે સંપૂર્ણ સારવાર અપાઈ છે.
કોરોના કાળ કેવી રીતે ફળ્યું
ઉલ્લેખનીૃય છે કે, વર્ષ 2020માં કોરોના મહામારીને કારણે વલસાડ જિલ્લામાંથી મોટો ભાગના કામદારોએ સ્થળાંતર કર્યું હતું, સામાજિક અંતર જાળવ્યું હતું. કોરોનાના ડરને કારણે સતત મોઢા પર માસ્ક પહેર્યા હતાં. ખાણીપીણીની કુટેવો દૂર કરી ઘરનું પૌષ્ટિક ભાણું જમ્યા હતાં. શરીર સ્વચ્છતા સાથે દરેક જાહેર સ્થળો, ઘર, ઓફિસ, ફેક્ટરીને સેનિટાઇઝ કરી હતી. જેને કારણે TBના દર્દીઓમાં ધરખમ ઘટાડો નોંધાયો હતો. એક તરફ કોરોનાને કારણે લાખો લોકોએ જીવ ગુમાવ્યા તો બીજી તરફ કોરોનામાં લાખો લોકો TB નામના રાજરોગથી બચી શક્યા હતા. એટલે કહી શકાય કે, કોરોના કાળ TB રોગને અટકાવવામાં રામબાણ ઈલાજ સાબિત થયો હતો.