- તાપી જિલ્લા વહિવટી તંત્રની સક્રીયતા અને પ્રજાજનોની જાગૃતતાનું પરિણામ
- જિલ્લામાં માત્ર 4 નવા કેસ નોંધાયા
- છેલ્લા એક અઠવાડિયામાં કુલ- 523 દર્દીઓ સાજા થયા
તાપી: જિલ્લામાં કોરોનાને જડમૂળથી સમાપ્ત કરવામાં માટે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા સંભવત તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જિલ્લાના નાગરિકો તરફથી પણ તંત્રને સારો પ્રતિભાવ મળી રહ્યો છે. કોરોનાના કપરાકાળમાં જિલ્લા કલેક્ટર આર.જે.હાલાણી નાગરિકોને સતત સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન કરી માસ્ક અને સેનેટાઈઝરનો ઉપયોગ કરવા માટે સુચનો કરતા આવ્યા છે.
કડક નિયમોને કારણે શક્ય
કડક નિયમોને કારણે જિલ્લામાં ગુરુવારે કોરોનાના માત્ર ચાર જ નવા કેસ નોંધાયા છે જ્યારે 61 દર્દીઓ રિકવર થઈને પોતાના ઘરે પરત ફર્યા છે. આ સાથે છેલ્લા એક અઠવાડિયામાં જિલ્લામાં 50થી પણ ઓછા કેસ નોંધાતા જિલ્લાવાસીઓએ હાશકારો અનુભવ્યો છે. આ ઉપરાંત આ અઠવાડિયા દરમિયાન કુલ 523 દર્દીઓ સાજા થયા છે.
આ પણ વાંચો : તાપીનું આદર્શ ગામ- ગ્રામજનોની જાગૃતિના કારણે તાપીનું બુહારી ગામ કોરોના મુકત
ડૉક્ટર્સ હંમેશા ખડેપગે
કોરોનાને નાથવા માટે તંત્રએ તમામ પ્રયાસ કરી રહ્યા છે. કોરોનાના કહેરમાં આરોગ્ય વિભાગ સાથે અન્ય સૌ વિભાગોની ભૂમિકા પણ ખૂબ જ સરાહનિય રહી છે. ભગવાન સમાન ભૂમિકા નિભાવી રહેલા ડોક્ટરો અને નર્સોએ કોરોનાકાળમાં હિંમત હાર્યા વગર અને પોતાના પરિવારથી દૂર રહીને દિવસ-રાત એક કરી કોરોનાને હરાવવા અને દર્દીઓને સાજા કરવા ખડેપગે કામ કરી રહ્યા છે. મહેનતના ફળ સ્વરૂપ તાપી જિલ્લામાં કોરોનાના કેસો અલ્પ પ્રમાણમાં નોંધાયા છે જે જિલ્લા વહિવટી તંત્ર, આરોગ્ય વિભાગ અને પ્રજાજનો માટે રાહતના સમાચાર છે.
માઇક્રો-પ્લાનીંગ દ્વારા શક્ય
મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના માર્ગદર્શન હેઠળ શરૂ થયેલ “મારૂ ગામ કોરોનામુક્ત ગામ” મહાઅભિયાનને ગંભીરતાથી લઈને જિલ્લા કલેક્ટરએ તંત્રના અધિકારીઓ સાથે મળી માઇક્રો-પ્લાનીંગ કરીને કોરોના વાઇરસને નાથવા કામગીરીઓ હાથ ધરી હતી. જેના પરિણામ સ્વરૂપે છેલ્લા એક અઠવાડિયામાં નિઝરમાં એક પણ કોરોના કેસ નોંધાયો નથી. જ્યારે કુકરમુંડામાં 2 અને ઉચ્છલમાં 1 કેસ, વ્યારામાં 85, વાલોડમાં 31 કેસો, ડોલવણમાં 19 અને સોનગઢમાં 17 કેસો સાથે કુલ- ફકત 155 કેસો નોંધાયો છે.