વલસાડ: વલસાડ જિલ્લામાં ધરમપુર અને કપરાડા જેવા તાલુકામાં વસવાટ કરતાં આદિવાસી સમાજના લોકો જે આર્થિક રીતે પગભર ન હોય તેઓ માંડ માંડ 12 સુધીનો અભ્યાસ કરી શકતા હોય છે. ત્યારે સરકારી નોકરી માટે અત્યાર સુધી તેઓને એક મોકો મળતો હતો. પરંતુ હવે સરકારની આ જાહેરાતથી તેમની પાસેથી સરકારી નોકરીની આ તક જાણે છીનવાઈ ગઈ હોય તેવો અહેસાસ કરી રહ્યા છે.
આદિવાસી ક્ષેત્રના વિદ્યાર્થીઓને નુકસાન: દક્ષિણ ગુજરાતના પટ્ટામાં વસવાટ કરતા આદિવાસી સમાજના યુવાનો જે આર્થિક પરિસ્થિતિ નબળી હોવાને કારણે સ્નાતક કક્ષાનો અભ્યાસક્રમ પણ મેળવી શકતા નથી. ધોરણ 12 સુધી તેઓ માંડ માંડ અભ્યાસ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા મજૂરી કામે નીકળી જતાં હોય છે. ત્યારે આવા વિદ્યાર્થીઓને મળતી તલાટીની પરીક્ષા આપવાની તક હવે આગામી સમયમાં નહિ મળી શકે.
12 પાસ વિદ્યાર્થીઓ મુંઝવણમાં: ગુજરાત સરકારના અચાનક લેવાયેલા આ નિર્ણયને કારણે 12 પાસ વિદ્યાર્થીઓ કે જે તલાટીની પરીક્ષા આપવા માટેની તૈયારીઓ કરી રહ્યા હતા એ તમામ વિદ્યાર્થીઓ હાલ આ નિર્ણય લઇને મુંઝવણમાં મુકાયા છે. હાલ તો હવે તેઓ સ્નાતક ન બને ત્યાં સુધી તલાટીની પરીક્ષા આપી શકશે નહીં. જેને લઈને પણ હવે તેમણે ફરજિયાતપણે કોલેજના પગથિયાં ચડવા પડશે. આમ ગુજરાત સરકારના તલાટીની પરીક્ષા બાબતના નિર્ણયને લઈને આદિવાસી ક્ષેત્રના વિદ્યાર્થીઓમાં કહીં ખુશી કહીં ગમ જેવો માહોલ જોવા મળી રહ્યો છે.
પરીક્ષામાં હરિફાઈ ઘટશે: ભૂતકાળમાં જ્યારે તલાટીની પરીક્ષા યોજાઈ ત્યારે 15 લાખ જેટલા ફોર્મ ભરાયા હતા. સરકારના આ નિર્ણયથી આ સંખ્યા ઘટવાની પૂરેપૂરી શક્યતા દેખાઈ રહી છે. જેથી ઉમેદવારો વચ્ચે પણ સ્પર્ધા ઓછી થશે. અને સરકારને પણ કાબેલ કર્મચારીઓ મળી શકશે.