વલસાડ: હાલમાં ક્રિકેટ વર્લ્ડ કપનો ફીવર ચાલી રહ્યો છે. ઠેર ઠેર મેચોના આનંદ લોકો લઈ રહ્યા છે ત્યારે તેની વચ્ચે ક્રિકેટના પ્રેમીઓ માટે વલસાડ જિલ્લામાં નાણાપ્રધાન કનુભાઈ દેસાઈના હસ્તે પરિયા નજીકમાં આવેલા મેઘપર ક્રિકેટ એકેડમીનું અને ગ્રાઉન્ડનું રીબીન કાપી ઓપનિંગ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે કનુભાઈ દેસાઈએ ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર બેટિંગ કરી પોતાની યુવાની દરમિયાનના અનેક સ્મરણો પણ તાજા કર્યા હતા.
આંતરરાષ્ટ્રીય કોચ મૃગાંગ દેસાઈ કોચિંગ આપશે: આજથી શરૂ થયેલી મેઘપર ક્રિકેટ એકેડમીમાં મૂળ વલસાડ જિલ્લાના પારડી તાલુકાના મોરાઈ ગામના વતની અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ક્ષેત્રે ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, નેપાળ, બાંગ્લાદેશ જેવી ટીમોને કોચ તરીકે અનેક ખેલાડીઓને કોચિંગ કરાવી ચૂકેલા મૃગાંગ દેસાઈ અહીં અનેક ખેલાડીઓને ક્રિકેટનું કોચિંગ આપી તૈયાર કરશે. કાર્યક્રમ સ્થળે તેમણે જણાવ્યું કે તેઓનું વર્ષો જૂનું સ્વપ્ન આજે પૂર્ણ થવા જઈ રહ્યું છે. તેમણે કહ્યું કે મારા ગામની આસપાસના ક્ષેત્રમાંથી પણ પ્રતિભાશાળી યુવાનો ક્રિકેટ ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય કક્ષા સુધી પહોંચે તે માટે તેમણે એકેડમીનો પ્રારંભ કર્યો છે.
આજે ઉદઘાટન પ્રસંગે નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે,સ્પોર્ટ્સ આપણા જીવનના દરેક પાસાને વિકસિત કરવામાં મદદરૂપ થાય છે. કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે 1970ના સમયમાં ભારતની ટીમ અંડરડોગ ગણવામાં આવતી હતી. 1971 બાદ જ્યારે ગવાસ્કર, વિશ્વનાથ તેમજ બેદી જેવા ક્રિકેટરો આવ્યા અને વેસ્ટ ઇન્ડીસ સામે તેમના ઘરે જઈને હરાવ્યા બાદ ભારતની ટીમનો દબદબો વધ્યો હતો. 1983 દરમિયાન ભારતની ટીમ ડાર્ક હોર્સ તરીકે ગણવામાં આવતી હતી. તે સમયે જે રીતે કપિલ દેવ દ્વારા ટીમની કાયાપલટ કરાઈ હતી તેના પરિણામે ભારતની ટીમે ઉત્તરોત્તર એટલી પ્રગતિ કરી છે કે હાલમાં આપણને મૃગાંગ દેસાઈ ઉર્ફે મોન્ટિભાઈ જેવા કોચ પણ મળ્યા છે.'
રાજ્ય કક્ષાની ક્રિકેટ મેચો આ ગ્રાઉન્ડ પર યોજી શકાશે: મેઘપન ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર ક્રિકેટને લગતી અનેક ટ્રોફીઓ અને ક્રિકેટ મેચ યોજવા માટે આ ગ્રાઉન્ડ સક્ષમ છે. રાજ્ય કક્ષાની મેચો તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાની મેચો માટે પણ આ ગ્રાઉન્ડ નિયમ આધારિત બનાવવામાં આવ્યું છે જેથી આ ગ્રાઉન્ડ ઉપર કોઈપણ મેચ રમી શકાય એમ છે. વલસાડ જિલ્લા અને તેની આસપાસના યુવાનો માટે ક્રિકેટનું પ્રશિક્ષણ મેળવવા માંગતા ક્રિકેટ પ્રેમીઓ માટે પણ આ ગ્રાઉન્ડ અને એકેડમી ખૂબ ઉપયોગી સાબિત થઈ શકશે. આજે પ્રથમ મેચમાં ભાગ લેવા આઈ પી એલ માં રમી ચૂકેલા જાણીતા ખેલાડીઓ હાજરી આપી હતી.