વલસાડઃ ધરમપુર નજીક આવેલા બરૂમાળ ખાતે ભાવભાવેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. આ મંદિરમાં સ્વામી વિધાનંદ સરસ્વતી મહારાજના સાનિધ્યમાં અનેક ધાર્મિક કાર્યક્રમો યોજાય છે. નજીકના સમયમાં આવી રહેલા શિવરાત્રીના પર્વને અનુલક્ષીને સદગુરૂ ધામ બરૂમાળ ખાતે સ્વામી વિધાનંદ સરસ્વતી મહારાજના સાનિધ્યમાં શ્રી લક્ષ્મીનારાયણ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.
આ યજ્ઞમાં સો કુંડી યજ્ઞ યોજાવા જઈ રહ્યો છે. તારીખ 12 ફેબ્રુઆરી 2020થી તારીખ 16 ફેબ્રુઆરી 2020 સુધી પાંચ દિવસ ચાલનારા આ શ્રી લક્ષ્મીનારાયણ મહાયજ્ઞમાં સમગ્ર ભારતમાંથી અનેક સાધુ-સંતો અને મહંતો હાજરી આપશે. જે માટેની સંપૂર્ણ તૈયારીને આખરી ઓપ આપવામાં આવ્યો છે.
યજ્ઞ માટે યજ્ઞશાળા તેમજ સો કુંડી તૈયાર કરવામાં આવી છે. તેમજ વિશાળ યજ્ઞ મંડપ પણ તૈયાર કરવામાં આવ્યો છે. આ યજ્ઞના દર્શનાર્થે આવનારા ભક્તો માટે પણ વિશેષ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. 12 ફેબ્રુઆરીથી શરૂ થનારા શ્રી લક્ષ્મીનારાયણ મહાયજ્ઞ માટે મંગળવારે ધરમપુર લક્ષ્મીનારાયણ મંદિરથી બરૂમાળ સુધી એક શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ શોભાયાત્રામાં આદિવાસી સમાજના પરંપરાગત વાદ્યો સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ધરમપુર નગરના વિવિધ વિસ્તારોમાં ફરી આ શોભાયાત્રા સાંધ્યાકાળે બરૂમાળ પરત ફરી હતી.
ઉલ્લેખનીય છે કે, સદગુરૂ ધામ બરૂમાળ ખાતે આવેલું ભગવાન ભાવભાવેશ્વરનું શિવલિંગ અષ્ટ ધાતુ નિર્મિત છે. જેના દર્શનાર્થે દેશ વિદેશથી લોકો અહીં આવે છે.
સ્વામી વિધાનંદ સરસ્વતી મહારાજના જણાવ્યા અનુસાર છે કે, ભારતમાં જ્યાં બાર જ્યોતિર્લિંગો છે, ત્યાં સદગુરૂ ધામ બરૂમાળ ખાતે સ્થાપિત કરવામાં આવેલુ ભાવભાવેશ્વર ભગવાનનું આ તેરમું જ્યોતિર્લિંગ છે.