પારડી નગરપાલિકાના પટાંગણમાં વોર્ડ નંબર 1 થી 7 માટે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પાલિકાનાને લગતી વિવિધ સેવાઓ જેવી કે પ્રધાનમંત્રી આવાસ યોજના, શહેરી વિકાસ પ્રોપર્ટી ટેક્સ, સામાજીક વનીકરણ વિભાગ, સમાજ કલ્યાણ વિભાગ, જન્મ-મરણના અને લગ્નના દાખલાની નોંધણી, ગુમાસ્તાધારા લાયસન્સ, માં વાત્સલ્ય કાર્ડ, આધાર કાર્ડ તેમજ આયુષ્માન કાર્ડ જેવી વિવિધ સેવાઓ એક જ સ્થળ ઉપર બનાવી આપવા માટેની કામગીરી વિવિધ ટેબલો મુકીને કરવામાં આવી હતી. મહત્વની વાત એ છે કે, દરેક ટેબલ ઉપર લોકો એકલદોકલ જોવા મળ્યા હતાં. પરંતુ, મા વાત્સલ્ય કાર્ડ, આધાર કાર્ડ અને આયુષ્માન કાર્ડ કાઢવા માટે લોકોની ભારે ભીડ જામી હતી.
આ કાર્યક્રમને લઇને પારડી નગરપાલિકાના પ્રમુખે જણાવ્યું કે, પાલિકા વિસ્તારમાં રહેતા લોકોને સરકારી સેવાનો એક જ સ્થળે લાભ મળી રહે અને તેઓને અલગ અલગ જગ્યાએ જવું ન પડે તેવા હેતુથી સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલો આ સેવા સેતુ કાર્યક્રમ પારડી નગરના લોકો માટે આજે આયોજીત કરવામાં આવ્યો હતો. જેમાં અનેક લોકો સરકારી સેવાઓનો લાભ લેતા જોવા મળ્યા હતાં.