વલસાડ: વલસાડ ડીએસપી કચેરી કમ્પાઉન્ડ ખાતે દમણના એક વૃદ્ધ દંપતીએ વલસાડમાં જીઆરડીમાં ફરજ બજાવતી બહેનોને રેઇનકોટ, માસ્ક અને બોલપેનનું વિતરણ કર્યું હતું. દમણના રહેનાર પંકજભાઈ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, છેલ્લા 10 વર્ષ કરતા પણ વધુ સમયથી તેઓ સમાજ સેવા કરતા આવ્યા છે. પંકજભાઈનો પુત્ર સ્નેહલ જે માનસિક રીતે દિવ્યાંગ હતો, તેને તેમણે દિવ્યાંગ બાળકોની સ્કૂલમાં અભ્યાસ અર્થે મુક્યો હતો. ત્યારે એના જેવા તમામ બાળકોની સેવા કરતા કરતા તેઓનામાં સમાજ સેવાના ગુણ કેળવાઇ ગયા હતા.
વળી અચાનક 25માં વર્ષે સ્નેહલે અણધારી વિદાય લેતા બંને દંપતીએ નક્કી કરી લીધું કે, હવે તેઓ તેમનું જીવન સમાજ સેવામાં વ્યતિત કરશે. ત્યારથી જ બંને દંપતી આખે આખો દિવસ દરેક સાધન સામગ્રી લઈને દમણથી એક રીક્ષામાં નીકળે છે અને સ્કૂલો, કોલેજો, હોસ્પિટલ તેમજ જરૂરિયાત મંદ કોઇ ગરીબ પરિવારના જણાય તો પેન, નોટબુક અને અને બોલપેન, અનાજ, ધાબળા, બિસ્કિટ, કપડાં, દરેક પ્રકારની સહાય કરતા આવ્યા છે અને કોઈ સંસ્થા દ્વારા નહીં, પરંતુ પંકજભાઈ મિસ્ત્રી સ્વંય ખર્ચ ઉઠાવી ગરીબ પરિવારોને મદદ કરતા રહ્યાં છે, ત્યારે વલસાડમાં જીઆરડીમાં ફરજ બજાવતી બહેનોને રેઇનકોટ ,માસ્ક અને બોલપેનનું વિતરણ કર્યું હતું.
પંકજભાઈએ કહ્યું કે, માત્ર સમાજ પાસે લેવાની અપેક્ષા તમામ લોકો રાખતા હોય છે, પણ સમાજમાં જે જરૂરિયાત મંદ હોય એવા લોકોને બંને હાથે કોઈના કોઈ રીતે મદદ રૂપ થવું જોઈએ, ત્યારે PSI પરમારે વૃદ્ધ દંપતીનો આભાર વ્યક્ત કર્યો હતો.
મહત્વનું છે કે, છેલ્લા 10 વર્ષથી પંકજભાઈ અને તેમના ધર્મપત્ની કેતકીબેન દમણથી દરરોજ રીક્ષા લઈને માત્ર અને માત્ર સમાજ સેવા કરવા માટે જ આસપાસના ગામોમાં ફરે છે. પંકજભાઈ 73 વર્ષ અને કેતકીબેન 68 વર્ષ ધરાવે છે. એકલવાયું વૃદ્ધત્વ જીવન પસાર કરવા કરતાં જરૂરિયાત મંદ લોકોને મદદ કરી તેમના આશીર્વાદ લેવા એજ એમનો ધ્યેય અને પુણ્ય સમજે છે.