પારડી તાલુકાના અરનારા અને પાટી ગામની વચ્ચેથી વહેતી કોલક નદી પર બનેલો ચેકડેમ કમ કોઝવેમાં ચોમાસા દરમિયાન વધુ વરસાદ પડતા તેની ઉપર પાણી આવી જાય છે. જેના કારણે પાર્ટી અને અરનાલા ગામની વચ્ચે સંપર્ક કપાઈ જતો હોય છે, જોકે ગઇકાલ મોડીરાતથી ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે નદીમાં પુર આવતા ચેકડેમની ઉપરથી પાણી ફરી વળ્યું હતું આ બ્રિજની ઉપરથી અંદાજિત ત્રણ ફૂટ જેટલું પાણી હોવા છતાં લોકો જીવના જોખમે બ્રિજ પસાર કરતા નજરે પડ્યા હતા.
ટુ વ્હીલર ચાલકોએ બ્રિજ ઉપર ત્રણ ફૂટ પાણી હોવા છતાં પણ જીવના જોખમે નદી પાર કરવાની ફરજ પડી હતી. સ્થાનિક લોકોનું કહેવું છે કે દર વર્ષે સહેજ પણ વરસાદ પડે એટલે નદીના પાણી બ્રિજ પર ફરી વળે છે અને જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે. અનેકવાર અહીંના ધારાસભ્ય અને રાજકારણીઓને રજૂઆત કરવા છતાં પણ આ નદી ઉપર કોઈ ઉંચાઈ વાળુ બ્રિજ બન્યો નથી. જેના કારણે દર વર્ષે ચોમાસામાં ઉપર પાણી ફરી વળતા લોકોને જીવના જોખમે વરસાદી પાણી માંથી પસાર થવું પડે છે.