ગુજરાતમાં દિવાળી સમયે જ વરસેલા કમોસમી વરસાદથી રાજ્યના હજારો ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે. એ જ રીતે ગુજરાતના હજારો માછીમારો પણ બેહાલ બન્યા છે. દિવાળીનો સમય એટલે માછીમારો માટે સિઝનનો સમય ગણાય છે. એમાંય વલસાડ જીલ્લાનાં ઉમરગામ તાલુકાના માછીમારો માટે આ દિવસો સોનેરી દિવસો હોય છે. કેમ કે, આ દિવસો દરમિયાન માછીમારો બોટમાં ડીઝલ-બરફનો સ્ટોક કરી ખલાસીઓ સાથે માછીમારી કરવા મધદરિયે જાય છે. માછીમારો દરિયામાંથી બોમ્બે ડક કહેવાતી બુમલા પ્રકારની માછલીઓ લાવી તેની સુકવણી કરી તેનું વેંચાણ કરે છે.
પરંતુ માછીમારોના જણાવ્યા મુજબ આ વખતે કમોસમી વરસાદના કારણે તમામ માછલીઓ નષ્ટ થઈ છે. અને સુકવેલી માછલીઓ વરસાદી માહોલમાં સડી જતા તેમાં કીડા પડી ગયા છે. એક તરફ વરસાદનો માર ત્યારબાદ ધૂમ્મસનો માર અને તેની ઉપર 'મહા' વાવાઝોડાના મારથી આ વિસ્તારના માછીમારો જ નહીં પરંતુ વેપારીઓ અને ખલાસીઓ પણ બેહાલ બન્યા છે. ત્યારે માછીમારોએ આ નુક્સાનીનું વળતર સરકાર ચૂકવે તેવી માંગ વ્યક્ત કરી હતી.
માછીમારોની માંગ છે કે, તેઓ વર્ષોથી જાત મહેનતે આ વ્યવસાયને ટકાવી પોતાનું ગુજરાન ચલાવે છે. ત્યારે, નારગોલ બંદરને વિકસાવવામાં પણ સરકાર ઉણી ઉતરી છે. અહીં અદ્યતન મત્સ્ય બંદર માટે અનેક વખત જાહેરાત કરી છે. સરકારની આ જાહેરાતો પણ માત્ર ને માત્ર કાગળ પર છે.
ઉલ્લેખનીય છે કે, વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં અંદાજીત 400 બોટ માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલ છે. જેમાં એક બોટમાં ડીઝલ-બરફ અને ખલાસીઓનો ખર્ચ ગણીએ તો અંદાજીત 10 હજારથી 40 હજારનો ખર્ચ આવે છે. એ મુજબ સરેરાશ 1 બોટ એકાદ લાખ ઉપરાંતની ખોટ સહન કરી છે. એક બોટ પર 10 થી 15 કુટુંબો નભે છે. જેઓને વરસાદ, ધૂમ્મસ અને વાવાઝોડા જેવી કુદરતી આફતે પાયમાલ કરી દીધા છે. એકલા નારગોલ બંદરના માછીમારોને જ 4 થી 5 કરોડનું નુકસાન સહન કરવું પડ્યું છે. જે માટે સરકાર સહાયરૂપ થશે તો જ તે માછીમારી માટે બેઠા થઈ શકશે. અને સાગરને ખેડવાની હિંમત કરી શકશે.