- IRCTCએ શરૂ કરી ભારત દર્શન ટ્રેન
- ખાસ પેકેજમાં યાત્રીઓ કરી શકશે યાત્રાધામના દર્શન
- રાજકોટથી 4 સ્પેશિયલ ટ્રેનનો શુભારંભ
વલસાડ : કોવિડ કાળ બાદ રેલવેના કર્મચારીઓ અને IRCTCના કર્મચારીઓ દ્વારા ખાસ ટ્રેન ટુર પેકેજનું આયોજન કર્યું છે. જેમાં ફેબ્રુઆરીમાં રાજકોટથી 4 સ્પેશિયલ ટુર ટ્રેન પેકેજ દ્વારા ગુજરાતના નાગરિકો ભારત દર્શન કરી શકશે. વાપી રેલવે સ્ટેશને IRCTC ના માર્કેટિંગ ઓફિસર દ્વારા વાપી-વલસાડના ટુર ઓપરેટર્સ અને પત્રકારો સાથે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં IRCTCના માર્કેટિંગ ઓફિસર પીટર જોન જોસેફે વિગતો આપતા જણાવ્યું હતું કે, લોકોમાં કોરોનાનો ડર દૂર થાય તેવા આશયથી રેલવેના અને IRCTCના કર્મચારીઓએ નાગરિકો માટે ખાસ ટુર પેકેજનું આયોજન કર્યું છે.
રાજકોટથી મલ્લિકાર્જુન દક્ષિણ ભારત દર્શન પેકેજ
આ ટૂર પેકેજ અંતર્ગત રાજકોટથી 2 પ્રિમિયમ સ્પેશિયલ ટ્રેન અને 2 ભારત દર્શન ટ્રેન યાત્રાનું આયોજન કર્યું છે. જેનાથી લોકો દેશના પ્રસિદ્ધ પ્રવાસન સ્થળો, યાત્રાધામના દર્શન કરી શકાશે. જેમાં રાજકોટથી મલ્લિકાર્જુન સાથે દક્ષિણ દર્શન પેકેજ છે. જે ટૂર આગામી 14 ફેબ્રુઆરીએ રાજકોટથી ઉપડશે અને 25 ફેબ્રુઆરી સુધીનો આ પ્રવાસ છે.
યાત્રીઓ AC, નોન ACમાં કરી શકશે પ્રવાસ
પ્રવાસમાં ટિકિટ લેનારા યાત્રીના પ્રવાસ સાથે તેમના રહેવા-જમવાની સગવડ, તમામ સ્થળો પર ફરવા સહિતની કુલ ફી સામેલ હશે. નોન એસી કોચમાં ભાડું 11,340 રૂપિયા વ્યક્તિદીઠ છે. જ્યારે 2 ટાયર એસી કોચમાં 18,900 રૂપિયા ભાડું નિર્ધારિત કરવામાં આવ્યું છે. આ તીર્થયાત્રા ટ્રેનમાં હાલ નોન એસી કોચનું બુકિંગ ફૂલ થઈ ગયું છે. જ્યારે AC કોચમાં હજૂ પણ અમુક સીટ્સ બાકી છે.
વાપી વલસાડના યાત્રીઓ લાભ લઇ શકે છે
જેનો લાભ વાપી વલસાડ જિલ્લાના યાત્રીઓ લઈ શકે છે. તેના પ્રચાર પ્રસાર માટે વાપી-વલસાડના IRCTCના માન્ય ટુર ઓપરેટર્સ સાથે મિટિંગનું અને તેના પ્રચાર પ્રસાર માટે પત્રકારો સાથે આ ખાસ મિટિંગનું આયોજન કરી જરૂરી જાણકારી પૂરી પાડી હતી. આ ટૂર માટે યાત્રીઓ માન્ય એજન્ટ દ્વારા અથવા તો ઓનલાઈન IRCTCની વેબસાઇટ પરથી બુકિંગ કરી શકશે.
વાપીમાં સ્ટોપેજના અભાવે ટુર ઓપરેટર્સમાં કચવાટ
ઉલ્લેખનીય છે કે, રેલવે દ્વાર શરૂ કરાયેલા દક્ષિણ ભારત દર્શન સ્પેશિયલ ટ્રેનની 3 ટ્રેનોના વાપી કે સુરતમાં કોઈ સ્ટોપેજ નથી. એટલે યાત્રીઓએ વડોદરા સુધી લાબું થવું પડશે. જેનો કચવાટ ટુર ઓપરેટર્સે મિટિંગ દરમિયાન વ્યક્ત કર્યો હતો.