વાપી :- વલસાડ જિલ્લામાં નેશનલ હાઇવે પર પડેલા મસમોટા ખાડાને કારણે હાલમાં એક કારનો વાપી નજીક બલિઠા બ્રિજ પર અકસ્માત થયો હતો. જેમાં સવાર કાર ચાલક મૃત્યુને ભેટ્યો હતો. જ્યારે અન્ય 2 લોકોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયા હતાં. તો, વલસાડના સોનવાડા નજીક બાઈક પર જઈ રહેલા પતિપત્ની અને પુત્રીના હાઇવે પરના ખાડાઓએ ભોગ લીધો છે. આ એવા દાખલા છે જેને લઇને કહી શકાય કે નેશનલ હાઇવે 48 પર ખાડાના કારણે અકસ્માત વધ્યા છે.
આ પણ વાંચોઃ રાજકોટ બન્યું 'ખાડા' કોટ, આખરે કુંભકર્ણ બનેલું તંત્ર જાગ્યું
વાહનોના ટાયર ફાટવાના, પંક્ચર પડવા, વાહનોમાં નુકસાન થવાની ઘટનાઓ રોજિંદી -એવી જ અન્ય ઘટનાઓ પણ નેશનલ હાઇવે પર બની રહી છે. હાઇવે પર દર 50 કે 100 મીટરના અંતર પર વચ્ચોવચ્ચ આવતા ખાડાઓમાં વાહનોના ટાયર પડ્યા બાદ ટાયર ફાટવાના, પંક્ચર પડવાના તેમજ વાહનોમાં નુકસાન થવાની ઘટનાઓ રોજિંદી બની છે. જો કે આ ખાડાઓની અનેક રજુઆત બાદ હાલ નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા નવસારી થી વલસાડ જિલ્લાના વાપી, ભીલાડ સુધીના માર્ગ પર 6 જેટલી ટીમોને કામે લગાડી ખાડાઓને પુરવાની કામગીરી હાથ ધરી છે.
આ પણ વાંચોઃ ભાવનગરમાં રસ્તાઓની દયનીય હાલત, જ્યા જોવો ત્યા ખાડે ખાડા
પુરાણ વરસાદમાં કેટલું ટકશે - નેશનલ હાઇવે ઓથોરિટી સાથે ટેલિફોનિક વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે, નવસારી નજીક બલવાળા અને અન્ય બ્રિજ પર પડેલા ખાડાઓની મરામત હાથ ધરવામાં આવી છે. સાથે જ વલસાડ જિલ્લામાં વાગલધરા, બગવાડા ટોલ પ્લાઝા, સલવાવ બ્રિજ નજીક મરામતની કામગીરી હાથ ધરી છે. 6 ટીમ દ્વારા આ કામગીરી હાથ ધરાઇ છે. પરંતુ, વરસાદી માહોલ હોય ડામર વર્ક થઈ શકતું નથી. હાલ કોન્ક્રીટ મિક્સ અને પેવર બ્લોક પાથરી ખાડાઓમાં પુરાણ કામ કરવામાં આવ્યું છે. જો કે આ પુરાણ કાર્ય આ વરસાદમાં કેટલું ટકશે તે સવાલ વાહનચાલકોમાં ઉઠી રહ્યો છે.