વલસાડ જિલ્લાના ગામોમાં ચોમાસા દરમિયાન વીજ પ્રવાહ ન અટકે તે માટે ચોમાસાના એક માસ પૂર્વે દર અઠવાડીયે એક વાર 12 કલાક વીજ પુરવઠો બંધ રાખીને વીજ કંપનીઓ દ્વારા કામગીરી કરવામાં આવી હતી. પરંતુ જેવો પહેલો વરસાદ થયો કે તરત જ વર્ષોની પ્રથા મુજબ વીજ કાપ કોઈ પણ આગોતરી જાણકારી વિના મૂકી દેવાય છે.
વાપી નજીકના ગામોમાં તો ગઈ કાલે રાત્રે જે 1 વાગ્યેથી વીજપુરવઠો ખોરવાયો છે એ સવારે 10 વાગ્યા છતાં હજુ સુધી વીજપ્રવાહ શરૂ કરવા માટે કર્મચારી કે લાઈન મેન સુદ્ધાં તસ્દી લીધી નથી. જેના કારણે મધ્ય રાત્રીથી 10 થી વધુ ગામોમાં અંધારપટ જોવા મળ્યો હતો.
રાતા કોચરવા, કોપરલી પંડોર, મોટી તંબાડી ,અંબાચ, ખેરલાવ, દેગામ કરાયા જેવા અનેક ગામોમાં મધ્યરાત્રી 1 વાગ્યાથી વીજ પુરવઠો ખોરવાયો હતો. જે અંગે વીજ કંપનીમાં ફોન કરવા છતાં કોઈ યોગ્ય જવાબ આપવામાં આવતો નહોંતો. છેલ્લા 10 કલાકથી વીજ પુરવઠો ખોરવાતા અનેક ઘરો જેમાં લોકો ઇલેક્ટ્રિક મોટર વડે પાણી ભરતા હોય તમામ ઘરોમાં પીવાનું અને ઘર વપરાશનું પાણી પણ ઉપલબ્ધ ના થયું હોય લોકોની હાલત વધુ કપરી બની રહી હતી.