- વલસાડમાં 7 બચત ખાતા ધારકોના ખાતામાંથી 9.80 લાખની ઉચાપત
- પારડી ખાતે 24 ખાતેદારોના ખાતામાંથી અંદાજિત 38.56 લાખની ઉચાપત
- ખાતેદારના નામની ખોટી સહી કરીને ખાતામાંથી ઉઠાવાયા પૈસા
વલસાડ: મધ્યમ વર્ગીય પરિવારના લોકો નાણાં બચત માટે સરકારી પોસ્ટલ વિભાગમાં નાના ખાતામાં આ પૈસા રોકાતા હોય છે, મહેનતના પૈસા કમાઈને તેની બચત કરતા હોય છે પરંતુ આવા મહેનતના પૈસા ઉપર પણ કેટલાક ઠગ લોકોની નજર લાગી જતી હોય છે. આવો જ કિસ્સો વલસાડમાંથી સામે આવ્યો છે. પોસ્ટમાં કામ કરતો પોસ્ટલ આસિસ્ટન્ટ, બચત ખાતાના ખાતેદારના ખાતામાંથી ખોટી સહી કરીને નાણાંની ઉચાપત કરી લેતો હોવાનું બહાર આવ્યું છે. વલસાડ પોસ્ટ ઓફિસમાં એક ખાતાધારક પોતાના પૈસા લેવા આવ્યો એ સમયે ખાતામાં પૈસા ન હોવાની જાણ થઇ. જેને લઈને વલસાડ આસિસ્ટન્ટ પોસ્ટ સુપ્રિડેન્ટ દ્વારા તમામ ખાતાની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં અલગ અલગ 7 ખાતાધારકોના ખાતામાંથી પૈસા જાણ બહાર ઉપડ્યા હોવાનું બહાર આવ્યું હતું
પોસ્ટલ વિભાગની તપાસમાં સામે આવી વિગત
સમગ્ર મામલે પોસ્ટ વિભાગ દ્વારા તપાસ શરૂ કરતાં પોસ્ટલ આસિસ્ટન્ટ સુનિલ ઘનશ્યામ ભાઈ ચાવડાએ આ કૌભાંડ આચર્યું હોવાનું સામે આવ્યું. આથી પોસ્ટ વિભાગ દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી જેમાં આરોપીને પોલીસ દ્વારા ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી હતી. જેમાં કુલ 9.80 લાખની ઉચાપત થઇ હોવાની ફરિયાદ થઈ છે. પોલીસ તપાસમાં આંકડો વધી પણ શકે છે.
પારડી પોસ્ટ વિભાગના પણ 24 ખાતેદારોના ખાતામાંથી 38.56 લાખની ઉચાપત
ઘનશ્યામ ચાવડા નામના પોસ્ટલ અસિસ્ટન્ટ દ્વારા પારડી પોસ્ટ ખાતાના પણ 24 ખાતેદારોના ખાતામાંથી પણ ખોટી સહી કરીને તેમના ખાતામાંથી અંદાજિત રૂપિયા 38.36 લાખ જેટલી રકમની ઉચાપત કરી હોવાનું બહાર આવતા પારડી પોલીસ મથકે પણ વધુ એક ફરિયાદ ઘનશ્યામ ચાવડા વિરુદ્ધ નોંધાઈ છે
આ પણ વાંચો: પાલનપુરના ઠગે Gandhinagar's Businessman સાથે 26 લાખની છેતરપિંડી કરી, મારી નાખવાની ધમકી આપી