વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના નાનાપોઢા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ શૈલેન્દ્રભાઈ દિપકભાઈ પટેલનો 21મી સપ્ટેમ્બરે માર્ગ અકસ્માત સર્જાયો હતો. પારડી તાલુકાના ચીવલ તોરણ વેરા ફળિયા પાસે બે બાઇક વચ્ચે સર્જાયેલા આ ગમખ્વાર અકસ્માતમાં શૈલેન્દ્રભાઈ દિપકભાઈ પટેલને માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી. જેમને તાત્કાલિક પારડીની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જ્યાં ટૂંકી સારવાર બાદ તેમનું મોત નિપજ્યું હતું. આ ઘટનાએ પોલીસ બેડામાં ગમગીનીનો માહોલ સર્જ્યો હતો.
આ પોલીસ જવાનને શ્રદ્ધાંજલિ આપવા માટેનો એક કાર્યક્રમ વાપી GIDC પોલીસ સ્ટેશનમાં યોજાયો હતો. જેમાં પોલીસ સ્ટેશનના તમામ સ્ટાફે હાથમાં હેલ્મેટ રાખી મૃતક શૈલેન્દ્ર પટેલને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે બે મિનીટનું મૌન પાળી GIDC પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર એન. કે. કામળિયાએ હેલ્મેટનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, જો શૈલેન્દ્ર ભાઈએ હેલ્મેટ પહેર્યું હોત તો તેનું મૃત્યુ ના થયું હોત. કેમ કે, તેને માથાના ભાગે જ ગંભીર ઇજાઓ થઈ હતી. એટલે દરેક પોલીસકર્મીએ મોટરસાયકલ પર પોલીસ મથકે આવતી જતી વખતે કે અન્ય ફરજના કામ અર્થે જતી વખતે હેલ્મેટ પહેરવું જોઈએ એનાથી માથાની ખૂબ સેફટી રહે છે અને અકસ્માત દરમિયાન ગંભીર ઇજાઓ થતા બચી શકાય છે.
ઉલ્લેખનીય છે કે, સમગ્ર આયોજનમાં પોલીસ વિભાગના વરિષ્ઠ અધિકારીઓએ, કર્મચારીઓએ ડ્રાઇવિંગ કરતી વખતે હેલ્મેટ અને સીટ બેલ્ટના ઉપયોગ અંગેની માહિતી આપવામાં આવી હતી. જેમાં દેશમાં નવા મોટર વાહન અધિનિયમના અનુસંધાનમાં પોલીસને જાહેર પોલીસ સંબંધો, નવા ટ્રાફિક નિયમોની સરળ અભિવ્યક્તિ વિશે પણ વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.