વલસાડઃ સમગ્ર ગુજરાત રાજ્યમાં 19 જિલ્લાને લોકડાઉન કરવામાં આવ્યા છે. કોરોનાને પગલે રાજ્ય સરકાર ખૂબ જ ગંભીર બની છે, ત્યારે દક્ષિણ ગુજરાતમાંથી ભરત પોતાના વતન જઈ રહેલા અનેક કામદારો મજૂરો સહિતના લોકો વિવિધ વાહનો માં હાઈવે ઉપરથી પસાર થઈ રહ્યા હોય ત્યારે વલસાડ પોલીસે આજે નેશનલ હાઇવે નંબર 48 ઉપર આવા તમામ વાહનોને રોકીને ડિટેઈન કરી દીધા હતા.
રાજ્યના પોલીસ અધિક્ષક દ્વારા પોલીસને મળેલી સૂચના મુજબ તમામ જિલ્લાઓમાંથી પગપાળા જતાં કે વાહનોમાં જતાં લોકોને જે-તે સ્થળે જ અટકાવી દેવાની સૂચના મળી છે. જેના પગલે વલસાડ રૂરલ પોલીસના PSI સહિતનો કાફલાએ આજે સરોણ ગામ હાઇવે નજીક મુંબઈ તરફથી અમદાવાદ જઈ રહેલા અનેક વાહનોને અટકાવ્યા હતા. જેમાંથી કેટલાક વાહનોમાં તો પંદરથી વીસ જેટલા લોકોને ભરીને લોકો વતન રાજસ્થાન મધ્યપ્રદેશ અમદાવાદ વડોદરા સુરત તરફ જઈ રહ્યા હતા. આવા તમામ વાહનચાલકોને અટકાવી દઇ વાહનો ડિટેઇન કર્યા છે અને તમામને આરટીઓનો મેમો પકડાવી દેવામાં આવ્યો છે.
જો કે, હાલમાં કરોનાને લઈને મેમો પણ ભરી શકાય એવી સ્થિતિ ન હોય વાહનચાલકો કફોડી સ્થિતીમાં મૂકાયા છે, તો સાથે-સાથે પરિવાર સાથે નીકળેલા અનેક લોકોને અટકાવી દઇ વાહનો ડિટેઇન કરી પોલીસ મથકે મૂકી દેતાં પરિવાર સાથે નીકળેલા અનેક લોકો પણ અધવચ્ચે અટવાઈ પડ્યા છે.
મહત્વનું છે કે, રાજ્યના પોલીસ અધિક્ષક દ્વારા દરેક જિલ્લા પોલીસને સૂચન કરવામાં આવ્યું હતું કે, તેમના જિલ્લામાંથી હાઈવે ઉપરથી પસાર થતાં વાહનો અને પગપાળા પસાર થતા લોકોને પણ જે-તે સ્થળે જ અટકાવી દેવામાં આવે. જેને અનુલક્ષી વલસાડ પોલીસે પણ આજે સરોણ ગામ નજીક મુંબઈથી સુરત તરફ જતા અનેક વાહનોને ડિટેઈન કરી દીધા હતા.
કોરોનાના વધતાં કહેરના કારણે રાજ્ય સરકાર ખૂબ જ ગંભીર છે. જેના કારણે કોઈપણ જિલ્લામાંથી અન્ય જિલ્લામાં પ્રવેશતા લોકોને જે તે સ્થળે જ અટકાવી દેવામાં આવી રહ્યા છે.