વલસાડઃ પારડી પોલીસને પૂર્વ બાતમી મળી કે, પલસાણા ગામે ધર્મેશ ગુણવંતરાય દેસાઇની વાડીમાં પાસાનો વોન્ટેડ આરોપી આવનાર છે. જેને પગલે પોલીસે બાતમી વાળી જગ્યા ઉપર રેડ કરી હતી. પરંતુ સ્થળ પર જોતા ધર્મેશ ગુણવંતભાઈ દેસાઇની વાડીમાં પલસાણા ખાતે જુગાર રમાડવામાં આવી રહ્યો હતો અને પોલીસે જુગાર રમતા પાંચ લોકોની ધરપકડ કરી છે. જેમાં પાસાનો વોન્ટેડ આરોપી ભરત ઉર્ફે દાઢી કરશન પટેલ પણ સામેલ હતો.
પારડી તાલુકાના પલસાણા ગામે ધર્મેશ ગુણવંતભાઈ દેસાઈની આંબાવાડીમાં પાસાનો આરોપીને પકડવા પોલીસે રેડ કરી હતી. જેમાં વાડીના મલિક સહિત પાસનો નાસતો-ફરતો આરોપી ભરત ઉર્ફે દાઢી કરશન પટેલ પણ ત્યાં જુગાર રમતા પોલીસને હાથે ઝડપાઇ ગયો હતો. પોલીસે જુગાર રમતા 5 લોકોની ધરપકડ કરી છે. જેમની પાસેથી જુગારના રૂપિયા 13,100 અને 5 મોબાઈલ ફોન, બે બાઇક સહિત કુલ રૂપિયા 2,03,100નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે.
પારડી પોલીસે જુગારમાં ઝડપી લીધેલ આરોપીઓમાં ધર્મેશ ગુણવંતરામ દેસાઈ, મુકેશ અશોક પટેલ, શાંતિલાલ મણિલાલ પટેલ, ચીંતું રઘુ નાયકા, પાસામાં નાસતો ફરતો મુખ્ય આરોપી ભરત ઉર્ફે દાઢી કરશન પટેલની ધરપકડ કરી છે.
મહત્વનું છે કે, પારડી પોલીસને પાસાનો આરોપી આવવાનો હોવાની બાતમી મળી હતી, પણ પોલીસ પોહોચી તો જુગાર રમાતો હતો. આમ પારડી પોલીસને બગાસું ખાતા પતાસું હાથ લાગી ગયું હતું.